Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

યુવતીઓની ઉચ્ચ શિક્ષણની મંજૂરી પણ શરત રાખી

તાલિબાનનો આખરે યૂ-ટર્ન : અમે યુવકો અને યુવતીઓને એક સાથે અભ્યાસ કરવા દેશું નહીં, અમે કો-એજ્યુકેશનની મંજૂરી આપીશું નહીં

કાબુલ,તા.૧૨ : અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારનું શાસન શરૂ થતાં તેણે પોતાના રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. આજના સમયમાં શિક્ષણ જ્યાં દરેક વ્યક્તિનો હક છે, તેને તાલિબાન અફઘાનની યુવતીઓને અહેસાનના રૂપમાં આપી રહ્યું છે. તાલિબાને મહિલાઓને ઉચ્ચ શિક્ષણની મંજૂરીતો આપી છે, પરંતુ અનેક શરત રાખી છે. નવી તાલિબાન સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીનું કહેવું છે કે મહિલાઓ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ સુધી વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરી શકે છે, પરંતુ ક્લાસ યુવકો અને યુવતીઓ માટે અલગ હશે અને ઇસ્લામી કપડા ફરજીયાત હશે.  અફઘાનિસ્તાનના નવા શાસકો દ્વારા એક ઓલ મેન તાલિબાન સરકારની રચનાના ઘણા દિવસ બાદ રવિવારે એક સંવાદદાતા સંમેલનમાં મંત્રી અબ્દુલ બાકી હક્કાનીએ નવી નીતિઓ જણાવી હતી.

     હક્કાનીએ કહ્યુ કે, વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરવો ફરજીયાત હશે, પરંતુ તેમણે તે ન જણાવ્યું કે, શું તેમનો મતલબ માત્ર એક ફરજીયાત હેડસ્કાર્ફ હશે કે તેમણે આખો ચહેરો ઢાંકવો પડશે. તેમણે કહ્યું, 'અમે યુવકો અને યુવતીઓને એક સાથે અભ્યાસ કરવા દેશું નહીં.' અમે કો-એજ્યુકેશનની મંજૂરી આપીશું નહીં. હક્કાનીએ કહ્યુ કે, વિશ્વવિદ્યાલયોમાં ભણાવવામાં આવી રહેલા વિષયોની સમીક્ષા કરવામાં આવશે. મહત્વનું છે કે પોતાની પાછલી સત્તા દરમિયાન તાલિબાન સંગીત અને કલા પર પ્રતિબંધ લગાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે તાલિબાની શાસનમાં મહિલાઓ પર આકરા પ્રતિબંધ લગાવવામાં આવે છે, જેમાં અભ્યાસ ન કરવો અને ઘરની અંદર રહેવું સામેલ છે. પરંતુ આ વખતે તાલિબાને કહ્યુ કે, અમે મહિલાઓને કેટલાક અધિકાર આપીશું, પરંતુ તેની વાતો પર વિશ્વાસ નથી.

(7:27 pm IST)