Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ગુજરાતમાં પાંચ વર્ષ બાદ ફરી એકવાર પાટીદાર પાવર :ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના પાંચમા પાટીદાર મુખ્યમંત્રી

રાજ્યના કુલ મતદારોના 15 ટકા પાટીદારો :વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ

અમદાવાદ : ગુજરાત રાજયમાં નારાજ પાટીદારોને મનાવવા માટે પીએમ મોદી અને અમિતભાઈ  શાહે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂંક કરી છે. ગુજરાતમાં પાંચ વર્ષ બાદ ફરી એકવાર પાટીદાર પાવર જોવા મળશે.

ગુજરાત રાજયમાં રાજકારણના દોરમાં પાટીદાર સમાજનો પાવર વધું જોવા મળ્યો છે. જો કે, રાજ્યના કુલ મતદારોના 15 ટકા, એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપ સરકારથી રિસાયેલા જોવા મળી રહ્યા છે. જેથી તેઓને રિઝવવા માટે ભાજપા સરકારે બે પાટીદાર કેન્દ્રીય મંત્રીને પ્રવાસ માટે ઉતાર્યા હતા

ગુજરાતમાં 4 મુખ્યમંત્રી પાટીદારોના બન્યા હતા. જેમાંથી ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બેવાર મુખ્યમંત્રી બન્યા છતાં પણ પાંચ વર્ષ સત્તા પર ના ટકી શક્યા. ત્યારે ચીમનભાઈ પટેલને પ્રથમ વખત નવનિર્માણ આંદોલન નડ્યું હતું અને બીજી વખત મુખ્યમંત્રીકાળ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું. તો કેશુભાઈ પટેલને એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. ત્યારે આનંદીબેન પટેલે ઉંમરનું બહાનું આપ્યું હતું, પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીનાં પરિણામો જ નડી ગયાં હતાં.

 ગુજરાતમાં જયારે પીએમ મોદીનો સફર દિલ્હી તરફ રવાના થયો ત્યારથી જ રાજયમાં પાટીદારોનું જોર વધ્યું હતું. 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું તે વેળાએ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. ત્યારથી જ પાટીદારો ભાજપથી નારાજ થવા લાગ્યા હતા. આ નારાજગીના કારણે જ ભાજપને 2017માં વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 99 બેઠક મળી હતી અને કોંગ્રેસને લગભગ 83 બેઠક મળી હતી.

ગુજરાત રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતિને વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામમાં કુલ 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.

(8:08 pm IST)