Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

પિતાએ બળજબરીપૂર્વક પુત્રીનું વર્જિનિટી ટેસ્ટ કરાવ્યું

યુનાઇટેડ કિંગડમનો એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો : યુવતીએ જણાવ્યું કે, આ વર્જિનિટી ટેસ્ટ દરમિયાન તેને એવું લાગ્યું કે જાણે કોઈ તેની સાથે બળાત્કાર કરી રહ્યું છે

નવી દિલ્હી,તા.૧૨ : આજે યુનાઇટેડ કિંગડમનો એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો હાલ સામે આવ્યો છે. અહીં એક પિતાએ બળજબરીપૂર્વક પોતાની પુત્રીનો વર્જિનિટી ટેસ્ટ કર્યો હતો, જેના કારણે યુવતીએ અસહ્ય દુઃખાવાનો અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. યુવતીએ જણાવ્યું કે, આ વર્જિનિટી ટેસ્ટ દરમિયાન તેને એવું લાગ્યું કે જાણે કોઈ તેની સાથે બળાત્કાર કરી રહ્યું છે. એક અહેવાલ મુજબ એક પિતાએ તેની પુત્રી પર વર્જિનિટી ટેસ્ટ કર્યો હતો કારણકે, તે તેના લગ્ન બાંગ્લાદેશમાં તેના પિતરાઇ ભાઇ સાથે કરાવવા ઈચ્છતો હતો. આ યુવતીની ઉંમર હાલ ૧૯ વર્ષની છે. તેણીએ જણાવ્યું કે, મને હજુ પણ જ્યારે તે ભયજનક ઘટના યાદ આવે છે ત્યારે ડર લાગે છે. યુવતીએ જણાવ્યું કે, આ ઘટના મારા માટે અપમાનથી ઓછી નથી. જ્યારે હું ડૉક્ટરના ક્લિનિકમાં ગઈ ત્યારે તેણે મને કપડાં ઉતારવાનું કહ્યું. એ વખતે મને ખૂબ જ શરમ આવતી હતી પરંતુ, પિતાજીના ડરથી મારે આ કામ કરવું પડ્યું. ત્યારબાદ ડૉક્ટરે મને આપત્તીજનક રીતે સ્પર્શ કર્યો. આ સમય દરમિયાન મને ખૂબ જ પીડા થઈ રહી હતી.

           હું ચીસો પાડી રહી હતી પણ ડૉક્ટર અને મારા પિતાને મારી દયા ન આવી. મારા પિતા દરવાજાની બહાર ઊભા હતા તેમણે ડૉક્ટરને પણ અટકાવ્યા નહીં. એક રિપોર્ટ મુજબ યુનાઇટેડ કિંગડમમાં હજારો યુવતીઓએ લગ્ન પહેલાં વર્જિનિટી ટેસ્ટ કરાવવો પડે છે અને પીડા સહન કરવી પડે છે કારણકે, છોકરી પક્ષે વરરાજાના પરિવારને સાબિત કરવું પડે છે કે તેમની પુત્રી પવિત્ર છે. અહીં વર્જિનિટી ટેસ્ટને પુરાવા તરીકે જોવામાં આવે છે. એન્ટી હોરર એબ્યુઝ ચેરિટી ફ્રીડમના સ્થાપક અનિતા પ્રેમે જણાવ્યું હતું કે, વર્જિનિટી ટેસ્ટ છોકરીઓ સામે નિર્દયતા છે. બ્રિટિશ સમાજમાં તેનું કોઈ સ્થાન ન હોવું જોઈએ. અગાઉ એવું માનવામાં આવતું હતું કે આ પરીક્ષણો માત્ર દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકાના લોકો દ્વારા જ કરવામાં આવતા હતા, પરંતુ હવે ખ્રિસ્તી છોકરીઓ સાથે પણ આવું જ થઈ રહ્યું છે.

(9:30 pm IST)