Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રશિયાનો દાવો....Sputnik V કોરોના વેકિસન ૯૨% અસરકારક છે

૧૬ હજાર વોલન્ટિયર્સ પર કરવામાં આવેલા આ ટ્રાયલમાં વેકિસનના ૨ ડોઝ આપવામાં આવ્યા હતા

મોસ્કો,તા. ૧૨: કોરોના વાયરસ વેકિસનની રેસમાં સૌપ્રથમ બાજી મારનાર રશિયાએ પોતાની પ્રથમ વેકિસન Sputnik-V પર મોટો દાવો કર્યો છે. રશિયાના જણાવ્યા મુજબ તેઓની આ Sputnik-V  વેકિસન લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે ૯૨% અસરકારક છે. રશિયાએ કહ્યું કે વચગાળાના ટ્રાયલના પરિણામો મુજબ, Sputnik-V વેકિસન કોરોના વાયરસથી બચાવવામાં ૯૨% અસરકારક છે. કોરોના વેકિસનના વચગાળાના ટ્રાયલના પરિણામોના આધારે sovereign (સાર્વભૌમ) વેલ્થ ફંડે બુધવારના રોજ આ દાવો કર્યો છે.

અહીં નોંધનીય છે કે Sputnik-V ના ત્રીજા તબક્કાના કિલનિકલ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે અને તે વિવિધ દેશોમાં ચાલી રહ્યો છે. ૧૬ હજાર વોલન્ટિયર્સ પર કરવામાં આવેલા આ ટ્રાયલમાં વેકિસનના ૨ ડોઝ આપવામાં આવ્યા હતા. રશિયન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ આ વિશેની જાણકારી આપી છે. RDIF વેકિસનના વિકાસ અને વૈશ્વિક માર્કેટિંગનું કામ કરે છે. પરંતુ, નિષ્ણાતોનું એવું કહેવું છે કે ટ્રાયલની ડિઝાઈન અને પ્રોટોકોલ વિશે વધુ કોઈ જાણકારી નથી. તેવામાં પરિણામોને લઈને હજુ કશું કહેવું મુશ્કેલ છે.

RDIFના હેડના જણાવ્યા મુજબ અમે ડેટાના આધારે જણાવી રહ્યા છીએ કે અમારી પાસે અસરકારક વેકિસન છે. આગામી ૬ મહિના સુધી આ રશિયન ટ્રાયલ ચાલુ રહેશે અને આ અભ્યાસનો ડેટા ઈન્ટરનેશનલ મેડિકલ જનરલમાં પબ્લિશ કરવામાં આવશે. રશિયા અત્યાર સુધીમાં કોરોના વાયરસની ૩ વેકિસન બનાવવાનો દાવો કરી ચૂકયું છે. તેણે ઓગસ્ટમાં પોતાની પ્રથમ વેકિસન Sputnik-V  લોન્ચ કરી હતી. ત્યારબાદ ૧૪ ઓકટોબરના રોજ બીજી વેકિસન EpiVacCorona આવી અને હાલમાં જ રશિયાએ કોરોના વાયરસની ત્રીજી વેકિસન બનાવવાનો દાવો કર્યો છે.

(10:34 am IST)