Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

૫ દિવસમાં ઉપયોગમાં ન લેવાય તો બગડી જશે?

ફાઇઝરની વેકસીનને 'માઇનસ ૭૦' ડિગ્રી તાપમાનમાં રાખવીએ મોટો પડકાર : ઘણી તૈયારી કરવી પડશે

નવી દિલ્હી,તા.૧૨:અમેરિકાની દવા કંપની ફાઈઝરની કોરોના વેકસીને ટ્રાયલ દરમિયાન ઘણું જ સારું પરિણામ આપ્યું છે, તે પછી એક સફળ અને સુરક્ષિત વેકસીન મળવાની આશા હકીકતમાં ફેરવાતી દેખાઈ રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો વેકસીન દરેક ભારતીય સુધી પહોંચવા માટે જરૂરી લોજિસ્ટિક સુવિધાઓ ઊભી કરવાનું મોદી સરકારને સલાહ આપી છે. આ વેકસીન -૭૦ ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાનમાં રાખવી પડશે અને ૫ દિવસમાં ઉપયોગમાં નહીં લેવાય તો બગડી જશે.

એટલું જ નહીં, એક મહિના પછી બીજો ડોઝ આપવાનો થશે એટલે કોલ્ડ સ્ટોરેજથી લઈને તે બધે પહોંચાડવા સહિતની બધી વ્યવસ્થા ફરી એકવખત કરવી પડશે.

આ દરમિયાન ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ (AIIMS) દિલ્હીના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ફાઈઝરની વેકસીનને ઘણા નીચા તાપમાનમાં રાખવી પડશે, જે ભારત જેવા દેશો માટે એક મોટો પડકાર છે. ગુલેરિયાએ બુધવારે કહ્યું કે, ફાઈઝરની કોરોના વેકસીનના થર્ડ ફેઝના ટ્રાયલના પરિણામ ઘણા જ ઉત્સાહ વધારનારા છે, પરંતુ તેને ઘણા જ નીચા તાપમાન -૭૦ ડિગ્રી સેલ્સિયસ પર રાખવાની જરૂર પડશે. તે ભારત અને બીજા દેશો માટે એક મોટો પડકાર છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં.

ગુલેરિયાએ કહ્યું કે, 'ફાઇઝર વેકસીનને લઈને પડકાર એ છે કે, આ ઘણું જ ઓછું તાપમાન માઈનસ ૭૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર રાખવું પડશે. ઓછી અને મધ્યમ આવકવાળા દેશો માટે કોલ્ડ ચેઈનને જાળવી રાખવી એક પડકાર હશે, ખાસ કરીને નાના ગામોમાં આટલા ઓછા તાપમાનને જાળવી રાખવું પડકાર હશે. આ વેકસીનમાં ઘણી બધી શકયતાઓ છે, પરંતુ આપણે બીજી વેકસીનોને પણ જોવાની જરૂર છે, જે આવશે. ફેઝ-૩ ટ્રાયલ્સમાં બધી સંભવિત વેકસીનોને લઈને ઉત્સાહ વધારનારા અહેવાલો આવી રહ્યા છે.'

એમ્સના ડાયરેકટરે કહ્યું કે, ભલે ફાઈઝરના દાવાઓની એકસપર્ટસ તરફથી સમીક્ષાની જરૂર છે, પરંતુ તેને લગતી જાહેરાત બનાવાયેલી બીજી વેકસીનો માટે પણ ઘણા જ આશા જગાવનારા સંકેત છે. તેમણે કહ્યું કે, 'ફાઇઝરે જે ડેટા રિલીઝ કર્યો છે તેની એકસપર્ટસ તરફથી સમીક્ષા થવાની બાકી છે, પરંતુ ડેટા ઘણો જ ઉત્સાહવર્ધક છે. ફેઝ-૩ ટ્રાયલ્સમાં ૪૦ હજારથી વધુ દર્દીઓને વેકસીન અપાઈ. પછી જોવાયું કે, તેમાંથી કેટલાને કોરોના થાય છે. તે ઘણી જ અસરકારક જણાઈ, લગભગ ૯૦ ટકા. જોકે, હજુ સુધી આ ડેટાને વધુ સાવચેતીથી જોવાની જરૂર છે. તે માત્ર ફાઈઝર વેકસીન જ નહીં, પરંતુ જુદી-જુદી કંપનીઓ તરફથી બનાવાઈ રહેલી વેકસીનો માટે પણ ઉત્સાહ વધારનારા છે.'

ગુલેરિયાએ કહ્યું કે, 'આપણે એ જોવું પડશે કે, વેકસીન કેટલાક સમય સુધી ઈમ્યુનિટી ઊભી કરે છે, ૩ મહિના, ૬ મહિના, એક વર્ષ કે તેથી વધુ. એ પણ જોવું પડશે કે વેકસીન હળવા, મધ્યમ કે ગંભીર સંક્રમણોને રોકે છે કે નહીં. કેટલીક વેકસીન આપણને સંક્રમણ સામે સંપૂર્ણ સુરક્ષા આપે છે, તો બની શકે કે કેટલીક માત્ર હળવા કે મધ્યમ સંક્રમણ સામે સુરક્ષા આપે, ગંભીર સામે નહીં. તેમણે કહ્યું કે, એટલે એવી વેકસીનની જરૂર છે, જે તમને ટોટલ પ્રોટેકશન આપે.'

ભારતમાં કોરોના વેકસીન સ્ટોરેજની મોટાપાયે તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્ર સરકારના નિર્દશ પર બધા રાજય યોગ્ય સંખ્યામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમાં કેન્દ્ર સરકાર પણ રાજયોની મદદ કરી રહી છે. ભારતમાં હાલમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા ૪થી ૫ કરોડ વેકસીન ડોઝની છે. તેને વધારી શકાય છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે, કેન્દ્રએ હરતા-ફરતા રેફ્રિજરેટર, કૂલર અને બરફવાળા નાના-નાના રેફ્રિજરેટરની સાથે-સાથે સ્ટોરેજ કેપેસિટી વધારવા માટે ૧૫૦ ડીપ ફ્રીઝરની વ્યવસ્થા કરવામાં મદદ કરી રહી છે. જિલ્લામાં રહેલી સ્ટોરેજ વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજયના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં મોટા પ્રમાણમાં રેફ્રિજરેટર તૈયાર કરવામાં આવી રહ્યા છે, સાથે જ મેન્ટેનન્સનું કામ પણ ચાલી રહ્યું છે.

(10:35 am IST)