Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઐસા ભી હોતા હૈ

હેં... ફિલ્મ બનાવવા પિતા પાસે પૈસા ખુટી પડ્યા : પુત્રોએ બકરીઓ ચોરવાનું શરૂ કર્યું

બે ભાઇઓની પોલીસે ધરપકડ કરી : રમુજ ઉપસાવતો કિસ્સો

ચેન્નાઇ,તા. ૧૨: આમ તો સાંભળવામાં આ ઘટના કોઈ કોમેડી ફિલ્મ કરતા ઓછી નથી પણ હકીકત છે કે બે ભાઈઓએ સાથે મળીને અનેક બકરીઓ ચોરી હતી. જેથી તેઓ ફિલ્મ બનાવી શકે....!! જોયું ને... લાગે છે ને કોઈ કોમેડી ફિલ્મના સીન જેવું જ. જોકે, આ ખરેખરમાં બન્યું છે. આ દ્યટના ચેન્નાઈની છે. જયાં આ કિસ્સો ચર્ચામાં છે.

વી નિરંજનકુમાર અને તેનો ભાઈ, લેનિન કુમાર અનેક દિવસોથી બકરીઓ ચોરતા હતાં. જેને Madhavaram Policeએ ગત શનિવારે ધરપકડ કરી હતી.

આ બન્ને ભાઈઓએ ૮-૧૦ હજારમાં બકરીઓ વેચી હતી અને દરેકને ૮૦૦૦ રૂપિયાની કિંમતમાં વેચી હતી. ન્યૂઝ અનુસાર તેઓ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં જતા હતા અને રસ્તામાં ફરી રહેલી બકરીઓને ઉઠાવીને લાવતા હતાં. તેઓ બકરીને પોતાની કારમાં રાખતા અને લઈ જતા હતાં. પછી તેને વેચી નાખતા હતાં. આવું તેમણે અનેક અલગ-અલગ લોકેશન્સ પર કર્યુ હતું. તેઓ એક જગ્યાએથી એક અથવા તો બે જ બકરીઓ ચોરતા હતાં.

એક અથવા તો બે બકરીઓ ચોરી થવાના કારણે કોઈ જ વ્યકિત તેની ફરિયાદ નોંધાવતું નહોતું. જેથી આ બન્નેની હિંમત વધી હતી. જોકે, નસીબ કંઈ દર વખતે સાથ નથી આપતું. ૯ ઓકટોબરના રોજ તેમણે માધવરમના પલાનિમાંથી બકરી ચોરી હતી. ત્યાં માત્ર ૬ જ બકરીઓ હતી. જે પછી તેના માલિકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યાં. એક કાર જોવા મળી હતી. જેનું કોઈ જ રજિસ્ટ્રેશન નંબર નહોતાં. પોલીસે જયારે તપાસ કરવાનું શરુ કર્યું તો તેમને જાણ થઈ કે છેલ્લા કેટલાય દિવસોમાં આ વિસ્તારમાંથી અનેક બકરીઓ ચોરાય હતી. શનિવારે બન્ને ભાઈ ફરીથી બકરીની ચોરી કરતા હતા અને પકડાઈ ગયા હતાં.

પોલીસે જણાવ્યું કે બન્ને ભાઈઓ એક ફિલ્મ બનાવી રહ્યાં હતાં. તેમણે જણાવ્યું કે તેમના પિતા વિજય શંકર તેમની ફિલ્મ કો પ્રોડ્યૂસ કરી રહ્યાં હતાં. ફિલ્મનું નામ Nee Thaan Raja હતું. જોકે, રુપિયાની મુશ્કેલી હોવાના કારણે ફિલ્મ અધવચ્ચે જ રોકવી પડી હતી. જેથી દીકરાઓએ પિતાની મદદ કરવાનું નક્કી કર્યુ હતું અને બકરીઓ ચોરી કરવાના રવાડે ચડ્યા હતાં. હાલ બન્ને પોલીસ કસ્ટડીમાં છે.

(10:37 am IST)