Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

નીતિશે પીએમનો આભાર માન્યો

૧૬મીએ નીતિશ શપથ લ્યે તેવી શકયતાઃ ૭મી વખત CM બનશે

પટણા, તા.૧૨: બિહારમાં ફરી એક વાર નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બની રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે. જયારે નીતિશ કુમાર દિવાળી બાદ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. સૂત્રોનું માનીએ તો ૧૬ નવેમ્બરે શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે.

નીતિશ કુમાર આ વખતે ૭મી વાર બિહારના સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે. સૌથી પહેલા વર્ષ ૨૦૦૦માં તેઓ મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારથી તેઓ અલગ અલગ પ્રસંગે શપથ લઈ ચૂકયા છે. સૂત્રોનું માનીએ તો ૧૬ નવેમ્બરે શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે.

ચૂંટણીના પરિણામોમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી એનડીએમાં મોટો ભાઈ બની છે.  ત્યારે સતત ભાજપના કેટલાક નેતા એવી માંગ કરી રહ્યા હતા કે આ વખતે મુખ્યમંત્રી ભાજપનો જ  બનવો જોઈએ પરંતુ પીએમ મોદીએ બુધવારે સાંજે ભાજપના મુખ્ય કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા સ્પષ્ટ કહી દીધું છે કે નીતિશ કુમારની આગેવાનીમાં જ એનડીએ સરકાર બનાવશે.

બુધવારે સાંજે નીતિશ કુમાર તરફથી ચૂંટણીના પરિણામને લઈને પહેલી પ્રતિક્રિયા આવી હતી. તેમણે લખ્યું કે જનતા માલિક છે અને તેમણે એનડીએને પૂર્ણ બહુમત આપી છે. નીતિશ કુમારે આ સાથે લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો ચૂંટણી સમયના સહકાર બદલ આભાર.

ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ NDAએ ગઠબંધનના પક્ષમાં આવ્યા છે. NDA ગઠબંધનને ૧૨૫ સીટો પર જીત મળી છે. તો બહુમત માટે જરુરી ૧૨૨ સીટોથી ૩ વધારે છે. ભાજપને ૭૪ અને જેડીયૂને ૪૩ સીટો પર જીત મળી છે. ભાજપ પહેલા જ એ સ્પષ્ટ કરી ચૂકી છે કે સીટો ઓછી આવે તોય નીતિશ કુમાર જ સીએમ બનશે. નીતિશ સતત ૪ વાર અને કુલ ૭મી વાર બિહારના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળશે. તે રાજયોના ૩૭માં મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે. જયારે તેજસ્વીના નેતૃત્વ હેઠળ મહાગઠબંધનને ૧૧૦ સીટ મળી છડે.

(10:43 am IST)