Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બિહારઃ નવા ચૂંટાયેલાઓમાં ૬૮ ટકા બાહુબલીઓઃ ૮૧ ટકા કરોડપતિઓ

એડીઆરનો ચોંકાવનારો રીપોર્ટઃ ૨૪૧માંથી ૧૯૪ નવા ધારાસભ્યો કરોડપતિ છેઃ ૧૬૩ ધારાસભ્યોએ પોતાની સામે કેસ હોવાનું જણાવ્યુ છે : ૯ ધારાસભ્યો સામે ૩૦૨ની કલમ લાગેલી છેઃ ૩૧ સામે ૩૦૭ એટલે કે હત્યાના પ્રયાસના ગુન્હા છેઃ ૮૨ ધારાસભ્યો ૫ થી ૧૨ ધોરણ ભણેલા છે

નવી દિલ્હી, તા. ૧૨ :. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવનારા ધારાસભ્યોમાંથી ૮૧ ટકા કરોડપતિ છે. ચૂંટણી અધિકાર સમૂહ એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર)ના એક રીપોર્ટ અનુસાર ૨૪૧ નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સોગંદનામાનુ વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે ૧૯૪ ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે લગભગ બે તૃત્યાંશ ધારાસભ્ય ઉપર આપરાધિક કેસ નોંધાયેલા છે. એડીઆરના રીપોર્ટ અનુસાર ભાજપના ૭૩માંથી ૬૫ (૮૯ ટકા), રાજદના ૭૪માંથી ૬૪ (૮૭ ટકા), જેડીયુના ૪૩માંથી ૩૮ (૮૮ ટકા) અને કોંગ્રેસના ૧૯માંથી ૧૪ (૭૪ ટકા) ધારાસભ્યોએ ૧ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.

એડીઆરના રીપોર્ટ અનુસાર નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૪.૩૨ કરોડ છે. ૨૦૧૫માં આ સંપત્તિ ૩.૧૫ કરોડ હતી જે ૨૦૨૦માં ૬૭ ટકા વધીને ૫.૨૬ કરોડ થઈ ગઈ છે. ૨૦૧૫માં જીતેલા ૨૪૩ ધારાસભ્યોમાંથી ૧૬૨ એટલે કે ૬૭ ટકા કરોડપતિ છે.

ચૂંટણીમાં વિજય પામેલા ૨૪૧ ઉમેદવારોના સોગંદનામા તપાસતા જણાય છે કે ૧૬૩ એટલે કે ૬૮ ટકા ઉમેદવારોએ પોતાની વિરૂદ્ધ આપરાધિક કેસ હોવાનું જણાવ્યુ હતું. ૧૨૩ એટલે કે ૫૧ ટકા ધારાસભ્યોએ જણાવ્યુ હતુ કે તેઓનું વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલાઓ વિરૂદ્ધ અપરાધ સહિત સંગીન ગુન્હાઓ નોંધાયેલા છે. ૨૦૧૫માં વિજેતા ૨૪૩માંથી ૧૪૨ એટલે કે ૫૮ ટકા વિરૂદ્ધ કેસ હતા.

રીપોર્ટ અનુસાર ૯ ધારાસભ્યોએ જાહેર કર્યુ છે કે તેઓની વિરૂદ્ધ ૩૦૨ એટલે કે હત્યાનો મામલો નોંધાયેલો છે. ૩૧ ધારાસભ્યો સામે ૩૦૭ એટલે કે હત્યાના પ્રયાસનો કેસ છે. ૮ ધારાસભ્યોએ જણાવ્યુ છે કે તેઓની સામે મહિલા વિરૂદ્ધ અપરાધના કેસ નોંધાયેલા છે.

૮૨ ધારાસભ્યો ૫ ધોરણથી ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલા છે. ૧૪૯ ગ્રેજ્યુએટ છે. ૯ નવા ધારાસભ્યો સાક્ષર છે તો ૧ ધારાસભ્ય પાસે ડીપ્લોમાં છે.

આ વખતે ૨૬ એટલે કે ૧૧ ટકા મહિલા ઉમેદવારો જીત્યા છે. ૨૦૧૫માં ૨૮ મહિલા ધારાસભ્યો હતા.

(11:25 am IST)