Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ચીનને ડહાપણની દાઢ ફુટીઃ પૈંગોંગમાં પીછેહઠ માટે તૈયાર

પૂર્વી લડાખમાં ટેન્શન હળવુ થવાના એંધાણઃ ચીન ટેન્કો અને દારૂગોળા સાથે પાછળ જવા તૈયાર

નવી દિલ્હી, તા. ૧૨ :. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લડાખ સરહદે લાંબા સમયથી ટેન્શન હતુ પરંતુ દિવાળી પહેલા જ આ ટેન્શનનો અંત આવ્યો છે. ચીનની સેના પૈંગોંગથી પીછેહઠ કરવા તૈયાર થઈ છે. ૬ મહિના પહેલા ચીનની સેના એલઓસીના ૮ કિ.મી. પશ્ચિમમાં આવી ગઈ હતી. હવે પીએલએ ફીંગર ૮માં જવા માટે તૈયાર છે. ચીને ટેન્ક અને દારૂ ગોળા સાથે પીછેહઠનો પ્રસ્તાવ રાખ્યો છે. સૂત્રોનું કહેવુ છે કે આ મામલે કોઈ સમજુતી થઈ નથી પરંતુ ભારત તેને એક ઓફર તરીકે જુએ છે. અત્યારે અન્ય કેટલાક વિસ્તારો પર વાતચીત ચાલુ છે.

ભારત અને ચીન વચ્ચે ટેન્શન દૂર કરવા માટે અનેક વખત વાતચીત થઈ છે પરંતુ કોઈ હલ નથી નિકળ્યો. ભારત એવુ કહે છે કે ચીનની સેના એપ્રિલમાં હતી ત્યાં ચાલુ જાય પરંતુ ચીન તૈયાર નહોતું. તે પછી પૈંગોંગમાં ભારતે પણ પોતાની સેના અને ટેન્ક તથા દારૂગોળો તૈનાત કર્યો હતો. બન્ને સેનાઓમાં ૬ મહિનાઓ સુધી યથાસ્થિતિ રહી હતી પરંતુ હવે ભારતના લેફ. જનરલ મેનન અને ચીનના મેજર જનરલ લીન વચ્ચે વાતચીત થતા ચીન પીછેહઠ કરવા તૈયાર થયુ છે.

૭ રાઉન્ડમાં ભારત અને ચીન વચ્ચે વાતચીત થઈ હતી પરંતુ ૬ નવેમ્બરે કમાન્ડરો આમને સામને વાતચીત માટે આવ્યા હતા. જેમા ચીને પીછેહઠ કરવા તૈયારી બતાવી છે. જો કે સત્તાવાર હસ્તાક્ષર નથી થયા પરંતુ ચીને પીછેહઠની તૈયારી દર્શાવી છે.

(11:27 am IST)