Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પેટાચૂંટણીમાં કોંગ્રેસનો ફિયાસ્કોઃ રણનીતી- નેતૃત્વ ઉપર સવાલ

રાષ્ટ્રીય સ્તરે વિપક્ષોને એકજુટ કરવા અને આગામી ચૂંટણીમાં ગઠબંધનમાં મુશ્કેલી પડી શકે

નવી દિલ્હી, તા.૧૨: બિહારની સાથે મધ્યપ્રદેશ, યુપી અને ગુજરાત સહિત ૧૧ રાજયોમાં થયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડયો છે. જેનાથી ભાજપે કોંગ્રેસ ઉપર પ્રહાર શરૂ કર્યા છે. કોંગ્રેસમાં પણ નેતૃત્વ અને રણનીતિ ઉપર સવાલ ઉભા થયા છે. ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે વિપક્ષોને એક કરવા અને આવતા વર્ષે યોજાનાર અન્ય રાજયોની ચૂંટણી તૈયારીઓ ઉપર અસર પડી શકે છે.

કોંગ્રેસ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. લોકસભા અને રાજયસભામાં કુલ મળીને તેમના ૧૦૦ સાંસદો પણ નથી. બિહારમાં ધારાસભ્યોની સંખ્યા ઘટી છે. જયોતિરાદિત્ય સિંધીંયા જેવા યુવા નેતા ગુમાવ્યા બાદ મધ્યપ્રદેશમાં આશા મુજબ પ્રદર્શન નથી રહ્યું. ભાજપે બિહારની હારને લઇને રાહુલને નિશાન ઉપર લીધા છે. આ પહેલા કોંગ્રેસના ૨૩ નેતાઓએ જ નેતૃત્વને લઇને પ્રશ્નો ઉભા કરેલ.

બીજી તરફ રાહુલને જાન્યુઆરીમાં ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આવતા વર્ષે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પોન્ડુચેરી અને તામિલનાડુમાં ચૂંટણી છે. કોંગ્રેસને બંગાળ, આસામ, કેરળ અને તામીલનાડુમાં સ્થાનીક પક્ષો સાથે જોડાણ કરી ચૂંટણી લડવાની છે. બિહારમાં મળેલ હાર પછી કોંગ્રેસને વધુ બેઠકો આપવા ના પણ પાડી શકે છે.

કોરોના મહામારીના કારણે પ્રવાસી મજુરોની સમસ્યા, આર્થિક સ્થિતિ, ચીની સીમા વિવાદ જેવા મુદાને કોંગ્રેસે ઉપાડયા તો જોરશોરથી પણ તેનો લાભ લેવામાં સફળ ન થઇ. યુપીમાં કાયદો વ્યવસ્થાને લઇને મોટા સવાલ ઉભા કર્યા પણ પેટાચૂંટણીના પરિણામોએ અહીં પણ નાપાસ કર્યા. આ હારથી વિપક્ષોને એક કરવાની મુહીમને ધક્કો લાગી શકે છે.

(12:35 pm IST)