Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

તુર્કીમાં કોરોના ફરી વકર્યોઃ ધુમ્રપાન ઉપર પ્રતિબંધ વિશ્વમાં અનેક દેશોમાં કોરોના ફરી મારી રહ્યો છે ઉથલો

નવી દિલ્હી તા. ૧રઃ તુર્કીમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના વધી રહેલા ચેપ વચ્ચે સરકારે ભીડભાડવાળા જાહેર વિસ્તારો અને જાહેર પરિવહન પ્રણાલી સાથે સંકળાયેલ સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ મૂકયો છે. તુર્કીના ગૃહમંત્રાલયે એક નિવેદન જારી કરતાં આ અંગેની માહિતી આપી છે. આ પ્રતિબંધ આજથી જ અમલમાં આવશે.

અગાઉના હુકમથી તમામ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું હતું. પરંતુ કેટલાક લોકો ધુમ્રપાન કરતી વખતે તેમના માસ્ક દૂર કરે છે, તેથી નવા આદેશ અનુસાર દેશના તમામ પ્રાંતોમાં ભીડવાળી જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મંત્રાલયે કહ્યું કે લોકોએ દેશમાં કોરોના વાયરસ ચેપના પ્રસારને નિયંત્રિત કરવા માટે અનિવાર્યપણે માસ્ક પહેરવા પડશે. આ અગાઉ તુર્કીના આરોગ્ય પ્રધાન ફહરેટિન કોકાએ કહ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી તરંગ ટોચ પર છે. તુર્કીમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના ચેપના ર,૬૯૩ નવા કેસ નોંધાયા છે.

તુકીંમાં ર૯ એપ્રિલ પછી ૧ દિવસમાં કોરોનાના સૌથી નવા કેસ નોંધાયા છે. આ સાથે, સંક્રમિતોની કુલ સંખ્યા ૪ લાખને વટાવી ગઇ છે, જયારે આ રોગચાળાને કારણે ૧૧ હજારથી વધુ લોકોનાં મોત નીપજયા છે. નોંધપાત્ર રીતે, યુરોપના ઘણા દેશોમાં કોરોના ચેપનો બીજો મોજાનો અનુભવ થઇ રહ્યો છે.

(2:42 pm IST)