Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડનો ચોખ્ખો નફો ૫૭ ટકા વધીને રૂ.૧૯.૮ કરોડ થયો

મુંબઇ, તા.૧૨: ભારતની અગ્રણી ટાઈલ્સ બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) વિશ્વભરમાં પ્રવર્તતી પડકારજનક આર્થિક અને વ્યાપારિક પડકારજનક સ્થિતિમાં પણ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પૂરા થતા બીજા ત્રિમાસિક ગાળા માટે ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રદર્શન કર્યું છે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૧૯.૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળા માટેના રૂ. ૧૨.૬ કરોડના ચોખ્ખા નફા કરતાં ૫૭.૨ ટકાની વૃદ્ઘિ દર્શાવે છે. કંપનીએ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના અંતે રૂ. ૪૧.૮ કરોડની કન્સોલિડેટેડ એબિટા અને રૂ.૩૪૪.૩ કરોડના કન્સોલિડેટેડ વેચાણો નોંધાવ્યા છે. કામગીરી અને પડતર કાર્યદક્ષતા સુધારવા માટે લેવાયેલા પગલાં, ઉચ્ચ ક્ષમતાનો ઉપયોગ અને ઉત્પાદન કાર્યક્ષમતા, રિટેલ હાજરી અને નિકાસો પર મદારના લીધે હકારાત્મક પરિણામો મળ્યા છે.

સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ વેચાણો રૂ. ૩૪૪.૩ કરોડ રહ્યા હતા જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ. ૩૫૬.૯ કરોડના ચોખ્ખા વેચાણો કરતાં ૩.૫ ટકા ઓછા હતા. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની કન્સોલિડેટેડ એબિટા રૂ.૪૧.૮ કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળાની રૂ. ૩૦.૩ કરોડની એબિટા કરતાં ૩૮ ટકાનો વધારો દર્શાવે છે.

(2:45 pm IST)