Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

તામિલનાડુમાં ભારે વરસાદ પૂરને કારણે ર૦ જિલ્‍લામાં રેડએલર્ટ જાહેર

ચેન્નાઈના ટીપી છત્રમ વિસ્તારમાં એક કબ્રસ્તાનમાં બેભાન થઇ ગયેલ એક વ્યક્તિને ભારે વરસાદ વચ્ચે બચાવનાર એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે: મળતા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરી ઘટના સ્થળે પહોંચ્યા અને ઝાડ નીચે દબાયેલા શખ્સને લોકોની મદદથી બચાવ્યો

નવી દિલ્‍હી :  તામિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખાસ્સું પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે. આ દરમ્યાન 20 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વરસાદને કારણે ચેન્નાઇ શહેરની સ્થિતિ અત્યંત ખરાબ થઇ ગઈ છે.

આવા ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. ચેન્નાઈના ટીપી છત્રમ વિસ્તારમાં એક કબ્રસ્તાનમાં બેભાન થઇ ગયેલ એક વ્યક્તિને ભારે વરસાદ વચ્ચે બચાવનાર એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં પોલીસ નિરીક્ષક બેભાન થઇ ગયેલ એક શખ્સને પોતાના ખભે ઉંચકીને જતી જોવા મળે છે. ત્યારબાદ મહિલા અધિકારી તે શખ્સને એક ઓટોમાં સુવાડી દે છે તેમની સાથે ચાલી રહેલા લોકો તે શખ્સને હોસ્પિટલ લઇ જાય છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા જ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરીના આ નિસ્વાર્થ કાર્યની ભારે પ્રસંશા થઇ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 28 વર્ષીય વ્યક્તિ એક કબ્રસ્તાનમાં બેભાન થઇ ગયો હતો.

ગુરુવારે તામિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે જેને લીધે ચેન્નાઈના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઇ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીપી છત્રમ વિસ્તારમાં ભારે વરસાદને લીધે અનેક ઝાડ ઉખડી ગયા હતા. આ દરમ્યાન આ શખ્સ ઝાડ નીચે ફસાઈ ગયો હતો. પોલીસને સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ્વરી ઘટના સ્થળે પહોંચ્યા અને ઝાડ નીચે દબાયેલા શખ્સને લોકોની મદદથી બચાવ્યો. ત્યારબાદ, રાજેશ્વરીએ ઉઘાડા પગે તે શખ્સને પોતાના ખભે ઉઠાવ્યો અને ઓટો સુધી લઇ આવ્યા અને તેમાં સુવાડીને હોસ્પિટલ પહોંચાડ્યો.

ઘટનાની જાણકારી આપતા મહિલા ઇન્સ્પેક્ટર રાજેશ્વરીએ જણાવ્યું, શખ્સને પહેલા પ્રાથમિક ઉપચાર આપ્યા બાદ તેને ઓટો દ્વારા હોસ્પિટલ મોકલી દીધો. હું પણ હોસ્પિટલ પહોંચી, તેની માં તેની સાથે હાજર હતી. મેં તેમને ચિંતા ન કરવા આશ્વાસન આપ્યું અને પોલીસ વિભાગ તરફથી તેની સંપૂર્ણ મદદનું આશ્વાસન આપ્યું. ડોક્ટરોનું કહેવું છે કે હાલ સારવાર ચાલી રહી છે અને ચિંતાની કોઈ વાત નથી.

 

(9:46 pm IST)