Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મહારાષ્‍ટ્રમાં NCP ના નેતાઓ સામે ED,CBI નો ગાળીયો વધુ મજબુત કરાઇ રહ્યા છે : રાજકીય વિશ્‍લેશકોમાં ભારે ચર્ચા

નવી દિલ્‍હી :  આપણા દેશમાં હમણાં રાજકારણમાં વિરોધીઓને બદનામ કરવા કે રાજકીય રીતે કે આર્થિક રીતે ખતમ કરવા માટે વિવિધ સરકારી કે સ્વાયત ગણાતી સંસ્થા કે એજન્સીઓનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે.તેવું માત્ર વિરોધપક્ષમાં બેસતા નેતાઓ કહે છે તેવું નથી. વિવેચકો પણ કહે છે અને કેટલીક આવી સ્વાયત ગણાતી સંસ્થાઓના પૂર્વ વડાઓ પણ કહે છે. કેટલાક કિસ્સાઓમાં કોર્ટ પણ આવી ટકોર કરતી હોય છે.

૨૦૧૪ પહેલા મનમોહનસિંહના શાસનકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટ સી.બી.આઈ. ની તે વખતની કામગીરીનો ઉલ્લેખ કરીને તેની પઢાવેલા પોપટ સાથે સરખામણી કરી હતી.જ્યારે થોડા સમય પહેલા પણ કોર્ટે વર્તમાન મોદી શાસન દરમિયાન પણ સી.બી.આઈ.ની કામગીરી બાબતમાં આવી આંગળી ચીંધી જ છે.હવે તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલેકે ઇડીના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થા સામે પણ આ જ પ્રકારની ટકોર થાય છે. ભૂતકાળમાં અન્ય એક સ્વાયત સંસ્થા કેગના રિપોર્ટમાં દર્શાવેલ ક્ષતિઓને ભ્રષ્ટાચાર તરીકે ખપાવી કાર્યવાહી થયાના અનેક દાખલા નોંધાયેલા છે. જોકે છેલ્લા સાત વર્ષમાં કેગ દ્વારા રજૂ થતા રિપોર્ટ ની સંખ્યા જ ઘટીને દસ ટકા થઈ ગઈ છે. અત્યારે સૌથી વધુ ઉપયોગ થતો હોય તો તે ઇડી નો થાય છે. તાજેતરમાં ઇડી દ્વારા થયેલી કાર્યવાહીની સમીક્ષા કરશું તો જણાશે કે અન્ય કોઈ કરતા રાજકીય વિરોધીઓ સામે જ આ સંસ્થાનો ઉપયોગ થાય છે. તેનું કારણ કેન્દ્ર સરકારનો દોરી સંચાર છે તેવું કહેવાની ભાગ્યે જ જરૂર છે. કેટલાક કિસ્સામાં કોઈ રાજ્ય સરકારને ટાર્ગેટ બનાવવા તેના નેતાઓને સામાન્ય ફરિયાદમાં કાર્યવાહી થાય છે પરંતુ બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ અપનાવાય છે તે પણ હકીકત છે તે વાતનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી. જો કે ભૂતકાળમાં કૉંગ્રેસી શાસન દરમિયાન પણ આવું થતું હતું પણ તેનું પ્રમાણ ઘણું ઓછું હતું.

અત્યારે આ વાત એટલા માટે ચર્ચાનો વિષય બની છે કે સી.બી.આઇ. અને ઇડી જેવી સંસ્થાઓનો ઉપયોગ આર્થિક કે અન્ય અપરાધીઓ કરતા સરકાર વિરોધી વલણ અપનાવનારાઓ સામે વધુ પ્રમાણમાં થાય છે.તાજેતરમાં મહારાષ્ટ્રમાં એન. સી.પી. એટલેકે શરદ પવારના પક્ષ ના નેતાઓ સામે સીબીઆઈ અને ઇડીનો ગાળીઓ વધુ મજબૂત બનાવાઈ રહ્યો છે.ખંડણી અંગેના આક્ષેપ સંબંધમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની દિવાળી આ સંસ્થાઓના કારણે જેલમાં જ ગઈ છે.હવે શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અગાડી સરકારના મંત્રી અજિત પવારની કેટલીક સંપત્તિ જપ્ત કરીને તેને પણ જેલમાં મોકલવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. રાજકીય વર્તુળો કહે છે તે પ્રમાણે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આયર્ન ખાનના કેસ બાબતમાં કેન્દ્ર અને ભાજપના નેતાઓ સામે આક્ષેપોનો મારો ચલાવનાર મહારાષ્ટ્રની અગાડી સરકારના મંત્રી અને એન.સી.પી.ના આગેવાન એવા નવાબ મલિકનો વારો આવે તો કોઈને આશ્ચર્ય નહિ થાય.

માત્ર ને માત્ર એન.સી.પી. અને તેમાંય ખાસ કરીને શરદ પવારની નજીકના સાથીઓ કે સગાને લક્ષાંક બનાવવાનું કારણ શું ? એનો જવાબ મળવો સાવ સહેલો ભલે ન હોય પણ મુશ્કેલ તો નથી જ તે હકીકતનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી.ઇ ડી અને સી.બી. આઈ. દ્વારા હાલ જે રીતે કામગીરી થઈ તેમાં બધું મુમકીન છે તેમ જ સહેલાઇ થી કહી શકાય તેમ છે.આ બાબતનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી. આ અઘરા એટલે કે સામાન્ય માનવીને સમજવો અઘરો પડે તેવો કોયડો તો છે જ જેની કોઈ ના પાડી શકે તેમ નથી.પરંતુ રાજકીય વિશ્લેષકો ને તો આ વાત સમજાઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા રચાયા બાદ ત્યાં પહેલા ભાજપે એન.સી.પી.ના અજિત પવારને સાથે લઈ સરકાર રચી પણ અજિતની સાથે એન.સી.પી.ના કોઈ સભ્ય ન રહેતાં ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને સત્તા છોડવી પડી ત્યાર બાદ ત્યાં એન. સી.પી. અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે એ સરકાર રચી આજની તારીખમાં અનેક અવરોધો વચ્ચે સરકાર યથાવત છે.ભાજપના પ્રદેશ અને કેન્દ્રીય મોવડીઓ એ એકથી વધુ વખત આ સરકારને તોડવાના પ્રયાસ કર્યા પણ તેમાં જરા સરખી પણ સફળતા મળી નથી.સુશાંત પ્રકરણથી આ સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો પણ તેમાં જરા સરખી પણ સફળતા મળી નથી.કોંગ્રેસના કેટલાક નેતાઓને વાંધો હોવા છતાં કેન્દ્રીય મોવડી મંડળની ઈચ્છાને લીધે તેઓ પણ મહારાષ્ટ્ર અગાડીના સભ્ય તરીકે ટકી રહયા છે.આ બધાના મૂળમાં મહારાષ્ટ્રમાં જનધાર ધરાવતા અને દેશમાં વિશાળ કદ ધરાવતા નેતા શરદ પવારની રણનીતિ છે.પવાર એક એવા નેતા છે કે જે રાજકારણના ગમે તેવા દાવપેચ ખેલી શકે છે. તેમને રાજકીય દાવપેચના અઠંગ ખેલાડી પણ માનવામાં આવે છે.હવે ભાજપ કે તેના નેતાઓ મહારાષ્ટ્ર સરકારને મુદત પૂરી કરવા દેવા માંગતી નથી.જ્યારે પવારે એવો વ્યૂહ ગોઠવ્યો છે કે અગાડી સરકાર સરળતાથી મુદત પૂરી કરી શકે તેમ છે.હકીકતમાં ભાજપના કેટલાક નેતાઓ કહે છે તે પ્રમાણે શરદ પવાર ભાજપને સત્તા પર આવતું રોકનારા મજબૂત સ્પીડબ્રેકર છે.પરંતુ ગમે તે કારણોસર તે આ મહારાષ્ટ્રની ખાંડ લોબીના અને મજબૂત સહકારી નેતા સામે કોકવાર શાબ્દિક પ્રહારો સિવાય બીજું કશું કરી શકતી નથી. શરદ પવારને નમાવવા અઘરા નહિ પણ શક્ય જ નથી તેવું મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સહિતના ઘણા નેતાઓ માને છે.મુંબઈના પૂર્વ સાંસદ ભલે ભાજપના અન્ય વિરોધી નેતાઓ પર પ્રહારો કરતા હોય પણ શરદ પવાર સામે શંકાની સોય ટાંકી શકાય તેવું એક પણ વાક્ય બોલી શકતા નથી તે પણ એક હકીકત છે.જેની કોઈ ના પાડી શકે તેમ નથી.આ એક વાસ્તવિકતા છે.

આથી ભાજપના નેતાઓ અને કેન્દ્રમાં બેઠેલા નેતાઓએ પવારના સમર્થકોને વારાફરતી ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.જે મુજબ પહેલા એન સી પી નેતા અનિલ દેશમુખ સામે આક્ષેપબાજીના તીર છોડી તેમને પહેલા રાજ્યનું ગૃહમંત્રી પદ છોડવા ફરજ પાડી હવે જેલ ભેગા કરી દીધા છે.

ત્યારબાદ હવે તખ્તો અજિત પવાર સામે ગોઠવાયો છે. તાજેતરમાં ઇડી દ્વારા તેમની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. કદાચ તેમનો હોદ્દો છોડાવી જેલભેગા કરવા ભાજપના નેતાઓ સી.બી.આઈ. અને ઇડી મારફત વ્યૂહ ગોઠવે તો કોઈ ને આશ્ચર્ય નહિ થાય.એક વાતની યાદ આપીએ કે શરદ પવારના વિશ્વાસુ સાથીદાર પ્રફુલ પટેલ સામે તો ભાજપના નેતાઓ અવાર નવાર આક્ષેપો કરતા રહયા છે.ઉપર જણાવી ગયા તેમ કદાચ આવતા દિવસોમાં મહારાષ્ટ્રના વધુ એક મંત્રી નવાબ મલિકને અન્ય એક પ્રકરણમાં ફસાવી દેવાય તો કોઈને આશ્ચર્ય નહિ થાય.ટૂંકમાં પવાર સામે કશું નકરી શકનારા ભાજપના નેતાઓ પવારના સમર્થકોને એક યા બીજા પ્રકારના પ્રકરણમાં ફસાવી દેવા પ્રયાસો કરે તો કોઈને આશ્ચર્ય નહિ થાય.ભાજપના નેતાઓનું નિશાન મહારાષ્ટ્રની ઠાકરે સરકાર છે અને તેને ઉથલાવવામાં શરદ પવાર નડે છે.એટલા માટે પવારના સમર્થકોને સાચા ખોટા પ્રકરણોમાં કેન્દ્રની વિવિધ એજન્સીઓ મારફત ફસાવી દઈ ને પવારને પરેશાન કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.એક રાજકીય કટાક્ષ લેખકે તો ત્યાં સુધી કહયુ છે કે મહારાષ્ટ્રના ટાઈગરનો શિકાર કરવા ભાજપના નેતાઓએ ઘડિયાળના કાંટા પાછા ફેરવવા કે તેને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાત ન ભૂલી શકાય તેવી છે.જો કે “કહીં પે નિગા હૈ કહીપે નિશાના ” જેવા ખેલમાં ભાજપ કેવો સફળ થાય છે તે જોવાનું રહે છે.

જો કે થોડા સમય પહેલા કર્ણાટકમાં કોંગ્રેસના કદાવર અને આર્થિક રીતે સમૃધ્ધ નેતા ડી કે શિવકુમારને ત્યાં પણ ઇન્કમટેક્સ અને ઇડી એ દરોડા પાડ્યા હતા એ જગજાહેર વાત છે.જ્યારે તામિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી સ્ટાલિનના પરિવારના સભ્યોને પણ કેન્દ્રની એજન્સીઓએ દરોડા પાડી ફસાવી દેવાનો પ્રયાસ કર્યો હતો તે વિગતો જગજાહેર છે. જ્યારે આંધ્રપ્રદેશના કદાવર નેતા જગન મોહન રેડ્ડીને ત્યાં પણ કોંગ્રેસના શાસન વખતે દરોડા પડ્યા હતા એટલું જ નહીં પણ આવક કરતા વધુ સંપત્તિના કેસમાં પણ તેમને ફસાવવામાં આવ્યા હતા.આ બાબત પણ જગજાહેર છે.આજે આ કદાવર નેતાના પક્ષ વાય.આર.એસ. કોંગ્રેસે ભાજપ કોંગ્રેસ અને તેલુગુદેશમ એ ત્રણે ય પક્ષને એક એક બેઠક માટે ફાંફા મારતા કરી દીધા છે.

ટૂંકમાં શાસન કેન્દ્રમાં કોંગ્રેસનું હોય કે ભાજપનું પણ તેઓ પોતાના વિરોધીઓને માપમાં રાખવા માટે કેન્દ્રની એજન્સીઓનો ઉપયોગ કરવાની એક પણ તક જતી કરતા નથી.આ પણ એક ભારતીય લોકશાહીની વાસ્તવિકતા છે .આના કારણે જ ઘણા વિશ્લેષકો કહે છે કે રાજકીય કાગડાઓ બધે કાળા જ છે.કોઈ પક્ષ દૂધે ધોયેલો છે જ નહીં અને તેના થઈ આગળ વધી કહીએ તો આવ ભાઈ સરખા જેવો ઘાટ છે.

(11:47 pm IST)