Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રીએ તમામ રાજયોને દરેક પુખ્‍ય વ્‍યકિતને રસીનો પહેલો ડોઝ મળે તે સુનિશ્‍ચિત કરવા ઉપર ભાર મુકયો

નવી દિલ્‍હી :  કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ આજ રોજ તમામ રાજ્યના સ્વાસ્થ્યમંત્રીને 'હર ઘર દસ્તક' ઝુંબેશના ભાગ રૂપે દરેક પુખ્ત વ્યક્તિને રસીનો પહેલો ડોઝ મળી જાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વર્ચ્યુઅલ સંવાદ દરમિયાન માંડવિયાએ કહ્યું કે, કોરોના વાયરસ રોગચાળા સામેની લડાઈ હાલ અંતિમ તબક્કામા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, હજુ 12 કરોડથી વધુ લોકોને રસીનો બીજો ડોઝ આપવાનો બાકી છે.

માંડવિયાએ જણાવ્યુ કે, 'આ મહામારી સામે અમારા બે શસ્ત્રો સૌથી વધુ અસરકારક રહેશે રસીકરણ અને કોરોના ની ગાઈડલાઈન્સનું પાલન. જ્યાં સુધી કોરોના સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી આપણે જરાપણ બેદકારી ન રાખવી જોઈએ. તેમણે જણાવ્યુ કે, હાલમાં 79 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 38 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે તમામ રાજ્યોને રસીકરણની ગતિને વધુ વેગ આપવાના માર્ગો પર વિચારણા કરવા પણ કહ્યું.

આરોગ્ય મંત્રીએ જણાવ્યુ કે, ચાલો આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ કે, દેશમાં કોઈપણ નાગરિક કોરોના વાયરસની રસીના 'રક્ષણ કવચ'થી વંચિત ના રહે. આપણે દેશના દરેક ખૂણે અને દરેક ઘર સુધી પહોંચીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હર ઘર દસ્તક' અભિયાન હેઠળ લોકોને રસીના બંને ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરીએ. તેમણે જણાવ્યુ કે, રસી આ બીમારીની ગંભીરતા ઘટાડે છે.

આ બેઠક દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના ફેલાવાને રોકવા અને વ્યવસ્થાપન માટે ઉભા કરાયેલા જાહેર આરોગ્યના ધોરણોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. માંડવિયાએ જણાવ્યું હતું કે, બાળકો લોકોને કોરોના અનુરૂપ વ્યવહાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં અને સંપૂર્ણ રસીકરણનો સંદેશ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રસીકરણની ગતિને ઝડપી બનાવવા માટે તેમણે બસ અને રેલ્વે સ્ટેશનો, મુખ્ય મેટ્રો સ્ટેશનો અને શહેરના મુખ્ય બિંદુઓ પર રસીકરણ કેન્દ્રો શરૂ કરવાનું પણ સૂચન કર્યું હતું.

 

કલાઇમેટ કોન્‍ફરન્‍સમાં વડાપ્રધાન મોદીએ ર૦૭૦ સુધીમાં દેશને શુન્‍ય કાર્બન ઉત્‍સર્જન વાળો દેશ બનાવવાનું લક્ષ રાખ્‍યુ હતુ : અદાણીએ બનાવ્‍યો મેગા પ્‍લાન

તાજેતરની ક્લાઈમેટ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી એ 2070 સુધીમાં દેશને શૂન્ય કાર્બન ઉત્સર્જનવાળો દેશ બનાવવાનું લક્ષ્‍ય રાખ્યું હતું. તેમને સાથે જ તે પણ કહ્યું હતું કે 2030 સુધી રિન્યુએબલ એનર્જી માંથી પોતાની ઉર્જાની જરૂરિયાતોને 50 ટકા પુરી કરવાનું લક્ષ્‍ય બનાવીને રાખ્યું છે. દેશને ગ્રેન એનર્જી મામલે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી બિલિયનેયર ગૌતમ અદાણી એ આગામી 10 વર્ષ માટે 70 બિલિયન ડોલર એટલે કે 5 લાખ કરોડથી વધારેનો મેગા પ્લાન તૈયાર કર્યો છે.

ગૌતમ અદાણીએ કહ્યું કે અદાણી ગ્રુપ દુનિયાની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની હશે. આ કંપની દુનિયામાં સૌથી ઓછી કિંમત પર હાઈડ્રોજન પેદા કરશે. તેના માટે ગ્રુપ આગામી 10 વર્ષમાં 70 બિલિયન ડોલરની રકમનું રોકાણ કરશે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) હાલમાં દુનિયાની સૌથી મોટી સોલર પાવર ડેવલપર છે. કંપનીનું લક્ષ્‍ય 2030 સુધી 45 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પેદા કરવાની છે. તે સિવાય 2022-23 સુધી કંપની દર વર્ષે 2 ગીગાવોટ સોલર એનર્જી પેદા કરવા માટે ક્ષમતા પર 2 અરબ ડોલરનું રોકાણ કરશે.

Adani Transmission Ltd હાલમાં ભારતની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર પાવર ટ્રાન્સમિશન કંપની છે. વર્તમાનમાં પાવર પ્રોક્યોરમેન્ટમાં રિન્યુએબલ એનર્જીની ભાગીદારી 3 ટકા છે. કંપનીનું લક્ષ્‍ય 2023 સુધી તેને વધારીને 30 ટકા કરવા અને 2030 સુધી 70 ટકા કરવાની યોજના છે. બ્લૂમબર્ગ ઈન્ડિયા ઈકોનોમિક ફોરમ પર વાત કરતા ગૌતમ અદાણીએ કહ્યું કે તેમનું સપનું છે કે રિન્યુએબલ એનર્જી એટલું સસ્તુ હોય કે અશ્મિભૂત ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલની જગ્યા લે.

તેમને કહ્યું કે અદાણી ગ્રુપ પહેલાથી દુનિયાની સૌથી મોટી સોલાર પાવર ડેવલપર છે. ત્યારે કંપની જ્યારે આટલા મોટા પ્રમાણમાં રોકાણ કરશે તો રિન્યુએબલ એનર્જીના મામલે કંપની દુનિયામાં નંબર વન બની શકે છે. હાલમાં તેમને પોતાના આ લક્ષ્‍યને લઈ પ્લાનની કોઈ વિશેષ જાણકારી આપી નથી.

ગ્લાસાગોમાં આયોજિત ક્લાઈમેટ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન ધરાવતો દેશ બની જશે. તે સિવાય 2030 સુધી ઘણા લક્ષ્‍ય નિર્ધારિત કર્યા છે. ભારત 2030 સુધીમાં તેની ઓછી કાર્બન પાવર ક્ષમતાને 500 GW સુધી વધારવાનું અને 2030 સુધીમાં તેની 50 ટકા ઉર્જાની જરૂરિયાતોને પુનઃપ્રાપ્ય ઉર્જામાંથી પૂરી કરવાનું લક્ષ્‍ય ધરાવે છે.

 

 

સએક્સનું અવકાશયાન ચાર અવકાશયાત્રીઓને લઈને સ્પેસ સ્ટેશન પહોંચ્યું ને અનોખો વિક્રમ સ્‍થાયો

૧૯૬૧માં રશિયન અવકાશયાત્રી યુરી ગાગરિને અંતરિક્ષયાત્રા કરી હતી

નવી દિલ્‍હી : સએક્સનું અવકાશયાન ચાર અવકાશયાત્રીઓને લઈને સ્પેસ સ્ટેશન પહોંચ્યું તે સાથે જ એક અનોખો વિક્રમ બન્યો હતો. ૬૦ વર્ષમાં ૬૦૦ પૃથ્વીવાસીઓ અંતરિક્ષની યાત્રા કરી ચૂક્યા છે. ૧૯૬૧માં રશિયન અવકાશયાત્રી યુરી ગાગરિને અંતરિક્ષયાત્રા કરી હતી. જર્મનીના મથાયસ માઉરર ૬૦૦મા અવકાશયાત્રી બન્યા હતા.
સ્પેસ એક્સના અવકાશયાનમાં ચાર અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા.

અમેરિકાએ રવાના કરેલા આ અવકાશયાનમાં જર્મનીના મથાયસ માઉરર સવાર થયા હતા અને તેમના નામે અનોખો વિક્રમ બન્યો હતો. મથાયસ માઉરર ૬૦૦મા પૃથ્વીવાસી છે, જેમણે અવકાશયાત્રા કરી હોય.
૧૯૬૧માં રશિયન પાયલટ યુરી ગાગરિન અંતરિક્ષયાત્રા કરનારા પ્રથમ માનવી બન્યા હતા. તે પછી ૬૦ વર્ષમાં ૬૦૦ પૃથ્વીવાસીઓએ અવકાશયાત્રા કરી છે. ઈલોન મસ્કના સ્પેસએક્સ અવકાશયાનને નાસાએ લોંચ કર્યું હતું. નાસા-સ્પેસએક્સનું અવકાશયાન એક સપ્તાહ પછી લોંચ થયું હતું. ખરાબ વાતાવરણના કારણે નિયત સમય કરતાં તેને મોડું લોંચ કરાયું હતું. મેક્સિકોની ખાડીમાં છેલ્લાં ઘણા દિવસથી વાતાવરણ ખૂબ જ ખરાબ હતું, તેના કારણે સ્પેસ સ્ટેશન માટે રવાના થનારા અને પાછા આવનારા - એમ બંને યાનોને થોડા સમય માટે રોકી રાખવામાં આવ્યા હતા.
રસપ્રદ બાબત એ છે કે અવકાશ સંશોધનમાં અમેરિકાનો દબદબો રહ્યો છે. ચંદ્ર ઉપર અમેરિકાએ પ્રથમ વખત માનવીને ઉતારવાનું શ્રેય મેળવ્યું હતું, પરંતુ અંતરિક્ષમાં પ્રથમ માનવી મોકલવાનો યશ રશિયાના નામે બોલે છે. એ જ રીતે ૬૦૦મા અવકાશયાત્રી પણ અમેરિકન નહીં, પરંતુ જર્મન નાગરિક છે.
આ ઐતિહાસિક મિશનના કમાન્ડર ભારતીય મૂળના નાગરિક છે. ચાર અંતરિક્ષયાત્રા સાથે સ્પેસ સ્ટેશન પહોંચેલા આ સ્પેસએક્સ યાનના કમાન્ડર રાજા ચારી અમેરિકન વાયુસેનાના પાયલટ છે.
યુરી ગાગરિન પહેલી વખત અંતરિક્ષમાં પહોંચ્યા ત્યારથી લઈને છેલ્લાં ૬૦ વર્ષમાં ૬૦૦ માનવીઓએ અંતરિક્ષની સૈર કરી હતી. એનો અર્થ એવો થાય કે આટલા વર્ષોમાં દર વર્ષે સરેરાશ ૧૦ માનવીઓએ અવકાશયાત્રા કરી હતી. હવે ખાનગી કંપનીઓએ પણ સ્પેસ ટૂરિઝમમાં ઝંપલાવ્યું હોવાથી અંતરિક્ષયાત્રા કરનારા માનવીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. આગામી થોડાંક વર્ષોમાં જ આ આંકડો ૧૦૦૦ને પાર કરી જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.

(12:11 am IST)