Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજકીય પક્ષો સૌથી વધુ ભંડોળ અજ્ઞાત સ્ત્રોતો પાસેથી મેળવે છે

પ્રાદેશિક પક્ષોએ જાણિતા સ્રેતો પાસેથી રૂ. ૧૮૪.૬૨૩ કરોડનું દાન મેળવ્યું : ૨૦૧૯-૨૦માં પ્રાદેશિક પક્ષોએ અજ્ઞાત સ્રોત પાસેથી ૪૪૫.૭૭ કરોડ રૂપિયા મેળવ્યા, જે કુલ આવકના ૫૬ ટકા જેટલું ભંડોળ

નવી દિલ્હી, તા.૧૨: પ્રાદેશિક પક્ષોએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં અજાણ્યા સ્ત્રોતો પાસેથી રૂ. ૪૪૫.૭૭૪ કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું, જે તેમની કુલ આવકના ૫૫.૫૦ ટકા જેટલું છે તેમ પોલ રાઈટ્સ ગ્રુપ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ એક નવા રિપોર્ટમાં જણાવ્યું હતું. એડીઆરના રિપોર્ટ મુજબ આ ભંડોળમાંથી ૯૫.૬૧૬ ટકા અથવા રૂ. ૪૨૬.૨૩૩ કરોડ ચૂંટણી બોન્ડમાંથી મેળવાયા હતા અને પ્રાદેશિક પક્ષોએ સ્વૈચ્છિક યોગદાન મારફત રૂ. ૪.૯૭૬ કરોડ એકત્ર કર્યા હતા.

એડીઆરના રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રાદેશિક પક્ષોના ઈન્કમ ટેકસ રિટર્ન અને ચૂંટણી પંચને આપેલી દાનની વિગતોના વિશ્લેષણ પરથી જણાય છે કે રાજકીય પક્ષોની આવકનો મોટો હિસ્સો અજાણ્યા સ્ત્રોતો છે. હાલમાં રાજકીય પક્ષોએ રૂ. ૨૦,૦૦૦થી ઓછું દાન કરનારા વ્યકિતઓ અથવા સંસ્થાઓની વિગતો જાહેર કરવી જરૂરી નથી. પરિણામે પક્ષોને મળતા નોંધપાત્ર ભંડોળનું પગેરું પકડી શકાતું નથી અને તેને 'અજાણ્યા સ્ત્રોત' તરીકે માનવામાં આવે છે.

આપ, આઈયુએમએલ અને એલજેપીના યોગદાનનો રિપોર્ટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે પક્ષોએ જાહેર કરેલા તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અને કન્ટ્રીબ્યુશન રિપોર્ટ (રૂ. ૨૦,૦૦૦થી વધુના દાન) તથા અજાણ્યા સ્ત્રોતો પાસેથી પક્ષોના દાનની વિગતોમાં ભારે વિસંગતતાઓ જોવા મળી છે તેમ એડીઆરે જણાવ્યું હતું.

એડીઆરના રિપોર્ટમાં જણાયું હતું કે, આપ, આઈયુએમએલ અને એલજેપીએ તેમના ઓડિટ રિપોર્ટ દ્વારા જાહેર કરેલી કુલ કોન્ટ્રીબ્યુશનની રકમ તેમના કોન્ટ્રિબ્યુશન રિપોર્ટમાં જાહેર કરાયેલી રકમ કરતાં ઓછી છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન અજાણ્યા સ્ત્રોતો પાસેથી પ્રાદેશિક પક્ષોની કુલ આવક રૂ. ૪૪૫.૭૭૪ કરોડ હતી, જે તેમના ઓડિટ રિપોર્ટમાં જાહેર કરાયેલી કુલ આવકના ૫૫.૫૦ ટકા જેટલી હતી.

કેટલાક ટોચના પ્રાદેશિક પક્ષોમાંથી ટીઆરએસે રૂ. ૮૯.૧૫૮ કરોડ, ટીડીપીએ રૂ. ૮૧.૬૯૪ કરોડ, વાયએસઆર-સીએ રૂ. ૭૪.૭૫ કરોડ, બીજેડીએ રૂ. ૫૦.૫૮૬ કરોડ અને ડીએમકેએ રૂ. ૪૫.૫૦ કરોડની આવક અજાણ્યા સ્ત્રોતો પાસેથી મેળવી હોવાનું જાહેર કર્યું હતું.

એડીઆરે જણાવ્યું હતું કે, જાણિતા દાતાઓ પાસેથી રાજકીય પક્ષોની કુલ આવકની વિગતો ચૂંટણી પંચને પક્ષોએ રજૂ કરેલા કોન્ટ્રિબ્યુશન રિપોર્ટમાંથી ઉપલબ્ધ થાય છે, જે મુજબ તેમની સંયુકત આવક રૂ. ૧૮૪.૬૨૩ કરોડ હતી, જે તેમની કુલ આવકના ૨૨.૯૮ ટકા જેટલી છે. અન્ય જાણિતા સ્ત્રોતો પાસેથી રાજકીય પક્ષોની કુલ આવક રૂ. ૧૭૨.૮૩૪ કરોડ થઈ હતી, જે તેમની કુલ આવકના ૨૧.૫૨ ટકા જેટલી છે. આ આવકમાં પક્ષની સભ્યપદ ફી, બેન્ક વ્યાજ, પ્રકાશનોના વેચાણ, પાર્ટી લેવી વગેરેનો સમાવેશ થાય છે.

(9:57 am IST)