Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

કેસ હારવાને એડવોકેટની સેવામાં ઉણપ હોવાનું ગણી ન શકાય

કોઈ પણ કેસમાં દલીલો કર્યા બાદ જો વકીલ કેસ હારી જાય છે તો તેને વકીલ તરફથી તેની સેવાઓમાં ઉણપ હોવાનું કહી ન શકાયઃ જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્ન

નવી દિલ્હી, તા.૧૨: સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું હતું કે એવા દરેક કેસ કે જેમાં વાદી મેરિટ પર કેસ હારી ગયો હોય અને જેમાં એડવોકેટ તરફથી કોઈ બેદરકારી રાખવામાં આવી ન હોય, તેને એડવોકેટની સેવાઓમાં ખામી તરીકે ગણવામાં આવશે નહીં.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગના આદેશને પડકારતી વ્યકિતની અપીલ પર સુનાવણી કરી રહી હતી.  ગ્રાહક તકરાર નિવારણ કમિશને આ અરજદારની અરજીને ફગાવી દીધી હતી. જેમાં અરજદારે એવું કહેલ કે તેમનો કેસ લડનારા ત્રણ વકીલોની સેવાઓમાં ઉણપના કારણે તે કેસ હારી ગયો હતો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્નની બેન્ચે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે વકીલ તરફથી કેસ લડ્યા બાદ, મેરિટ અને ડિમેરિટના આધારે, કેસ હારી જાય છે, તો એવું ન કહી શકાય કે એડવોકેટ તરફથી તેની સેવામાં કોઈ  ઉણપ રાખવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે રાજય આયોગ, જિલ્લા ગ્રાહક મંચ અને રાષ્ટ્રીય આયોગે વકીલો વિરુદ્ઘની અરજદારની ફરિયાદને યોગ્ય ફગાવી દીધી છે, તે યોગ્ય જ કર્યુ છે.

(10:04 am IST)