Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

૮ મહિનાની ગર્ભવતી મહિલાએ ટ્રેનના ટોયલેટની અંદર બાળકને જન્મ આપ્યો

ટ્રેનમાં સવાર મહિલા મુસાફરોએ ટોયલેટની અંદર મહિલાની ડિલિવરી કરાવી

નવી દિલ્હી તા. ૧૨ : છઠ પૂજા નિમિત્તે દિલ્હીથી ટ્રેનમાં બિહાર જઈ રહેલી ૮ મહિનાની ગર્ભવતી મહિલાએ ટ્રેનના ટોયલેટની અંદર બાળકને જન્મ આપ્યો હતો. વોશરૂમ માટે ગયેલી મહિલાને પ્રસવ પીડા ઉપડતાં ટ્રેનમાં સવાર મહિલા મુસાફરોએ મહિલાની ડિલિવરી કરાવી હતી. જે બાદ મોરાદાબાદ રેલવે સ્ટેશન પર સીઆરપીએફ અને આરપીએફના જવાનોએ મહિલા અને તેના બાળકો માટે સારવારની તમામ સવલતો તૈયાર રાખી દીધી હતી. હાલમાં મહિલા અને તેનું બાળક એકદમ સ્વસ્થ છે.

બિહારના ભાગલપુરની રહેવાસી સિમ્પીને ૮ મહિનાનો ગર્ભ હતો. છઠ પુજા નિમિત્તે તે પોતાના પતિ બિહાર જવા શ્રમજીવી એકસપ્રેસમાં મુસાફરી કરી રહી હતી. મંગળવારે વોશરૂમ જવા માટે ટોયલેટમાં ગઈ ત્યારે અચાનકથી તેને પ્રસવ પીડા ઉપડી હતી. પત્નીને લેબર પેઈન શરૂ થતાં જ તેની સાથે રહેલાં પતિએ મદદ માટે બૂમો લગાવી હતી. જે બાદ ટ્રેનમાં સવાર મહિલા મુસાફરોએ સિમ્પીની પાસે પહોંચી ગઈ હતી અને બાદમાં સિમ્પીએ ટોયલેટની અંદર પ્રિ-મેચ્યોર બેબીને જન્મ આપ્યો હતો.

ટ્રેનમાં ઉપસ્થિત રહેલાં સીઆરપીએફના જવાનો દ્વારા દંપત્તીની સહાય કરવામાં આવી હતી, આ ઉપરાંત તેમને આર્થિક મદદ પણ કરી હતી. જયારે ટ્રેન મોરાદાબાદ સ્ટેશન પહોંચી ત્યારે રેલવે પ્રોટેકશન ફોર્સના જવાનો દ્વારા મહિલાને વધુ સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાનો પતિ, કે જે દિલ્હીની એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે, તેણે જણાવ્યું કે, અમારા ડોકટરે જણાવ્યું હતું કે મારી પત્ની આગામી મહિનામાં બાળકને જન્મ આપી શકે છે. જેથી પરિવાર સાથે સારો સમય વીતાવવા અને સારી દેખરેખ રાખવા માટે અમે છઠ પૂજા પર ઘરે પરત જવાનું નક્કી કર્યું હતું. પણ ભગવાને આ રીતે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હશે. હું સીઆરપીએફ, આરપીએફ અને ટ્રેનમાં સવાર મુસાફરોનો ખુબ જ આભારી છું, જેઓએ મારી મદદ કરી.

આ મામલે આરપીએફના અધિકારી ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું કે, અમને જાણકારી આપવામાં આવી હતી કે ટ્રેનમાં સવાર એક મહિલાને વોશરૂમમાં લેબર પેઈન શરૂ થયો હતો, અને બાદમાં તેણે પ્રિમેચ્યોર બેબીને જન્મ આપ્યો હતો. જે બાદ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી દેવામાં આવી હતી, અને સાથે જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી હતી. બેબી અને તેની માતા બંને તંદુરસ્ત છે.

(10:25 am IST)