Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

હવે બાઇક - સ્કુટરમાં પણ એરબેગ ???

બે કંપનીઓ સાથે મળીને કરી રહી છે કામ

નવી દિલ્હી તા. ૧૨ : દુનિયાભરમાં દર વર્ષે લાખો લોકો રોડ એકસીડન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે. જ્યારથી ફોર વ્હીલરમાં એર બેગ્સની સુવિધા મળી છે ત્યારથી અમુક હદ સુધી અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમ છતાં હજુ પણ કેટલાય અકસ્માતોમાં ટુ-વ્હીલરના ડ્રાઇવરોના જીવ જાય છે.

ટુ-વ્હીલર્સ અકસ્માતોમાં ડ્રાઇવરનો જીવ કેવી રીતે બચાવી શકાય તેના પર ઓટોમોબાઇલ્સ કંપનીઓ સતત કામ કરી રહી છે. હવે ટુ-વ્હીલરમાં એરબેગની સુરક્ષા આપવાની વાત ચાલી રહી છે. એટલે કારની જેમ જ ટુંક સમયમાં બાઇક અને સ્કુટરમાં પણ એરબેગનું ફીચર મળશે.

સ્કુટર અને બાઇકમાં એર બેગ ફીચર્સ પર પીઆજીઓ કંપની કામ કરી રહી છે. કંપનીએ આના માટે ઓટોમેટીવ સેફટી સીસ્ટમ ઉપલબ્ધ કરાવતી કંપની ઓટોલીવ સાથે સમજૂતિ કરી છે. ત્યાર પછી હવે આ કંપનીઓનું કહેવું છે કે તેઓ સાથે મળીને દ્વિ-ચક્રી વાહનો માટે એરબેગ બનાવવા પર કામ કરી રહી છે.

મીડીયા રિપોર્ટ અનુસાર ઓટોલીવ કંપનીએ એડવાન્સ સીમ્યુલેશન ટુલ સાથે આ એરબેગનો પ્રાથમિક કન્સેપ્ટ તૈયાર કર્યો છે. જેનો ક્રેશ ટેસ્ટ પણ થઇ ચૂકયો છે. ઓટોલીવના સાથે જોડાવાથી હવે તેને વધુ બહેતર રીતે રજૂ કરાવાની આશા છે.

સમાચારોનું માનીએ તો એરબેગને દ્વિચક્રી વાહનમાં ફ્રેમ ઉપર લગાવવામાં આવશે. એકસીડન્ટની સ્થિતીમાં આ એરબેગ પલક ઝપકતા જ ખુલી જશે જે રીતે ફોર વ્હીલરમાં બને છે. આનાથી અકસ્માતમાં ઓછા લોકોના જીવ જશે.

(10:43 am IST)