Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

૧૯૪૭માં મળેલી આઝાદી ભીખ હતી, સાચી આઝાદી ૨૦૧૪માં મળીઃ કંગના રણૌત

આમ આદમી પાર્ટીએ મુંબઇ પોલીસને આવેદન આપી કાર્યવાહીની કરી માંગ

નવી દિલ્હીઃ બોલીવુડ એકટ્રેસ કંગના રણૌત ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે એક ન્યુઝ ચેનલ કાર્યક્રમમાં તેમણે હાલમાં જ કહ્યું હતું કે ૧૯૪૭માં જે આઝાદી મળી તે ભીખ હતી, અસલી આઝાદી તો ૨૦૧૪માં મળી ઉલ્લેખનિય છે કે ૨૦૧૪માં ભાજપાની સરકાર બની હતી અને નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા હતા.

આ બયાન પછી ભાજપા નેતા વરૂણ ગાંધીએ ટવીટ કરીને કંગના પર નિશાન તાકયું હતું. તેમણે કંગનાનો વીડીયો પોસ્ટ કરીને લખ્યું હતું, 'કયારેય મહાત્મા ગાંધીજીના ત્યાગ અને તપસ્યાનું અપમાન, કયારેક તેમના હત્યારાનું સન્માન અને હવે શહીદ મંગલ પાંડેથી લઇને રાણી લક્ષ્મીબાઇ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વતંત્રતા સેનાનીઓની કુરબાનીનો તિરસ્કાર આ વિચારને હું પાગલપન કહું કે દેશદ્રોહ!'

વરૂણ ગાંધીના ટવીટ પર કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી મુકીને જવાબ આપ્યો છે. કંગનાએ કહ્યું કે મેં ચોખ્ખું કહ્યું હતું કે ૧૮૫૭માં આઝાદીની પહેલી લડાઇ થઇ હતી જેની દબાવી દેવામાં આવી. ત્યાર પછી બ્રિટીશ હકુમતે પોતાના અત્યાચારો અને ક્રુરતા વધારી હતી. પછી એક સદી બાદ ગાંધીના ભીખના કટોરામાં આપણને આઝાદી આપવામાં આવી હતી.

કંગનાના આ બયાન પછી દેશમાં એક નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ મુંબઇ પોલિસને આવેદન આપીને કંગના સામે રાજદ્રોહ અને ભડકાઉ બયાન આપવાનો કેસ નોંધવાની માંગણી કરી છે. આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારણીણીની સભ્ય પ્રીતિ શર્મા મેનને કહ્યું કે આઇપીસીની કલમ ૫૦૪, ૫૦૫ અને ૧૨૪ એ હેઠળ કાર્યવાહીની માંગણી કરાઇ છે. મેનને મુંબઇના પોલિસ કમિશનર અને મહારાષ્ટ્ર પોલિસના ડીજીપીને ટેગ કરીને ટવીટ કર્યુ છે કે આશા છે કે કંઇક કાર્યવાહી થશે.

(11:25 am IST)