Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

તામિલનાડુ-આંધ્રપ્રદેશ સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે

બંગાળના અખાતમાં લો-પ્રેશર બનશે, જે મજબુત બની ડીપડીપ્રેશનમાં પરીવર્તીત થશેઃ હવામાન ખાતુ :ઓડીસ્સા, દક્ષિણ તેલંગાણા અને લક્ષદ્વીપના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહીઃ એનડીઆરએફની ટીમ તૈનાત

નવીદિલ્હીઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૩મીના શનિવારની આસપાસ બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે.  જેના કારણે આગામી દિવસોમાં ફરી એકવાર હવામાનમાં પલટો જોવા મળી શકે છે. 

 તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. કારણ કે ગઇકાલે બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર તમિલનાડુને પાર કરી ગયું છે.  જો કે, આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે.

 તમિલનાડુ, પુડુચેરી, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

 હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે.  એટલું જ નહીં, દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ વધુ એક નવું લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે. ત્યારપછીના ૪૮ કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.  જેના કારણે આગામી દિવસોમાં ફરી એકવાર હવામાનમાં પલટો જોવા મળી શકે છે.

 ન્યૂઝ એજન્સીએ હવામાન વિભાગને ટાંકીને જણાવ્યું છે કે ઉત્તર તમિલનાડુના ચેન્નાઈ, કાંચીપુરમ અને વિલપુરમ સહિતના જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે.  તમિલનાડુના ઘણા વિસ્તારોમાં આખી રાત ભારે વરસાદ નોંધાયો હતો.  અહેવાલ મુજબ, તાંબરમ (ચેંગલપેટ ડીટી) માં ૧૦ ઇંચ ચોલાવરમ (૯ ઇંચ) અને એન્નોરમાં ૮ ઇંચ મીમી વરસાદ નોંધાયો છે.  ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં ૧૬થી વધુ લોકોના મોત થયા છે. હાલમાં એનડીઆરએફએ તમિલનાડુમાં ૧૪ બટાલિયન તૈનાત કરી છે.

 બીજી તરફ, ખાનગી હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ વેધરએ તેના અહેવાલમાં કહ્યું છે કે આગામી ૨૪ કલાક દરમિયાન, તટીય આંધ્ર પ્રદેશના આસપાસના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. 

 કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓના ભાગોમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

 દરિયાકાંઠાના ઓડિશા, દક્ષિણ તેલંગાણા અને લક્ષદ્વીપના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના ભાગોમાં ઠંડીમાં વધારો થશે

ઉત્તર ભારતમાં થઇ રહેલ હિમવર્ષાના પગલે

નવી દિલ્હીઃ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હવે લઘુત્તમ તાપમાન ઝડપથી નીચે ઉતરશે. આગામી ૨૪ કલાક બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં પારો ૧૫ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.

ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી વધશે. જ્યારે દરિયાકિનારાના શહેરોમાં પણ તાપમાન હવે ઘટશે. જેના કારણે ઠંડી વધશે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની નીચે જવાની પણ વકી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીની નીચે રહેતા વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ખાસ કરી અંતરીયાળ વિસ્તારમાં તો ઠંડીથી બચવા માટે ફરજીયાત ગરમ કપડાંનો સહારો લેવો પડી રહ્યો છે. 

(11:26 am IST)