Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ભાજપે પાંચ રાજયોના ચૂંટણી પ્રચારમાં રૂ.૨૫૨ કરોડ ખર્ચ કર્યા

૧૫૧ કરોડ માત્ર પ.બંગાળમાં ખર્ચાયા

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે માર્ચમાં યોજાયેલી પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણીપ્રચાર માટે રૂ. ૨૫૨ કરોડનો ખર્ચ કર્યો હતો. આ કુલ રકમમાંથી પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે રૂ. ૧૫૧ કરોડ ખર્ચ કર્યા હતા. આ રકમનો ૬૦ ટકા હિસ્સો એકલા પશ્યિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર પર ખર્ચ કર્યો હતો. જોકે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પશ્યિમ બંગાળની ચૂંટણીમાં રૂ. ૧૫૪.૨૮ કરોડ ખર્ચવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચને સોંપેલી ચૂંટણી ખર્ચની વિગતો મુજબ ભાજપે આ પાંચ રાજયોના ચૂંટણીપ્રચારમાં રૂ. ૨,૫૨, ૭૧,૭૫૩ (૨૫૨ કરોડ)નો ખર્ચ કર્યો હતો. આ કુલ ખર્ચમાં આસામમાં રૂ. ૪૩.૮૧ કરોડ અને પુડુચેરીમાં રૂ. ૪.૭૯ કરોડ, તામિલનાડુમાં રૂ. ૨૨.૯૭ કરોડ અને કેરળમાં રૂ. ૨૯.૨૪ કરોડનો ખર્ચ કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ભાજપે લખલૂટ ચૂંટણી ખર્ચ કરવા છતાં મમતા બેનરજીને સત્તામાં આવતા અટકાવી નહોતો શકયો અને TMC સતત ત્રીજી વાર સરકાર બનાવવામાં સફળ રહી હતી. જોકે ભાજપની રાજયમાં વિપક્ષની ભૂમિકા મળી હતી, જયારે ડાબેરી પક્ષો અને કોંગ્રેસનાં સૂપડાં સાફ થયાં હતાં.

જોકે આસામમાં ભાજપે ફરીથી સત્ત્।ાનાં સૂત્રો હાંસલ કર્યાં હતાં, જયારે પુડુચેરીમાં પાર્ટી સૌપ્રથમ વાર ગઠબંધનની સરકાર બનાવવામાં સફળ રહી હતી. તામિલનાડુમાં DMK સત્તા હાંસલ કરવામાં સફળ રહી હતી, જયારે કેરળમાં ફરી એક વાર ડાબેરી પાર્ટી LDF સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી.

(3:08 pm IST)