Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

તમે જાણો છો...મુંબઈના એન.એસ. પાટકર રોડ, ગામદેવીમાં કાશીબાઈ નવરંગી માર્ગ અને કુંબાલા હીલમાં એસ.કે. બરોડાવાલા રોડનું નામ કેવી રીતે પડયું ?

મુંબઈના રસ્તાઓને કયુઆર કોડ મળશેઃ તમે એક કિલકથી નામકરણ થયેલા રસ્તાઓનો ઈતિહાસ જાણી શકશો : ૪૩૭ ચોરસ કિ.મી.માં ફેલાયેલો બીએમસી વિસ્તાર વહીવટી રીતે ૭ ઝોન અને ૨૪ વોર્ડમાં વહેંચાયેલો છેઃ ૧૯૫૦ કિ.મી. રસ્તાઓ અને આશરે ૨ કરોડ ૪૦ લાખ વસ્તી ધરાવે છે

મુંબઈ, તા. ૧૨ :. તમે કયારે વિચાર્યુ છે કે વ્યસ્ત એન.એસ. પાટકર માર્ગનું (અગાઉનો હ્યુજીસ રોડ) કોના નામ પરથી પડયું ? અથવા તો ગામદેવીમાં ડો. કાશીબાઈ નવરંગી માર્ગ અને કુંબાલા હીલમાં એસ.કે. બરોડાવાલા માર્ગ નામ શા માટે પડયું ?

એનજીઓ પ્રોજેકટ મુંબઈ, બીએમસી, મુંબઈ પોલીસ અને મુંબઈ યુનિવર્સિટીના સહયોગથી મુંબઈના રસ્તાઓનું સૌથી મોટું મેપીંગ શરૂ થયુ છે જેને પ્રોજેકટ નકશા કયુઆર કોડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોજેકટ એક વખત શરૂ થયા પછી રસ્તાને અપાયેલા કયુઆર કોડ તમારા મોબાઈલથી સ્કેન કરતાની સાથે રસ્તાઓના નામ સાથે જોડાયેલી વ્યકિતઓની વિગતો અને માહિતી મળી જશે. જેમના પરથી રસ્તાનું નામ રાખવામાં આવ્યુ હોય તેની પાછળની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ બનશે.

પ્રોજેકટ મુંબઈના સ્થાપક અને સીઈઓ શિશિર જોશીએ જણાવ્યુ હતુ કે, 'નકશા' શેરીઓના નામ પાછળનો ઈતિહાસ પ્રદાન કરશે. ઉપરાંત હોસ્પીટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી જાહેર સુવિધાઓ વિશેની માહિતી પણ પુરી પાડશે જે હંમેશા ઈન્ટરનેટ સર્ચમાં ન પણ મળતી હોય. આ પહેલ દરેક બાયલેન માટે પોલીસ અધિકાર ક્ષેત્ર પણ જણાવશે એટલે કે જે તે રસ્તાઓ અને વિસ્તાર કયા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે દર્શાવશે.

૪૩૭ ચો.મી. કિલોમીટરમાં ફેલાયેલો બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર વહીવટી રીતે ૭ ઝોન અને ૨૪ વોર્ડમાં વહેંચાયેલો છે. કુલ ૧૯૫૦ કિ.મી. રસ્તાઓ અને આશરે ૨૪ મિલીયન (૨ કરોડ ૪૦ લાખ) વસ્તી તેમા સમાવિષ્ટ છે. જ્યારે મુખ્ય રસ્તાઓનું નામ અગ્રણી વ્યકિતઓ અથવા સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ પર રાખવામાં આવ્યુ છે જ્યારે અંદરની ગલીઓના નામ સ્થાનિક નેતાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. મુંબઈમાં નામાંકરણ થયેલા માર્ગો અને ગલીઓની વિશાળ સૂચિ છે અને તેમાથી મોટાભાગના તમને આશ્ચર્ય પમાડે છે કે આ લોકો કોણ હતા ?

મુંબઈની ગામદેવી, ઐતિહાસિક સીમાચિહ્ન મણીભવનનું ઘર, લેબર્નમ રોડ તરીકે ઓળખાતો રસ્તો જેનુ નામ લેબર્નમ વૃક્ષો પરથી રાખવામાં આવ્યુ છે. અંધેરી પશ્ચિમમાં વિરા દેસાઈ રોડનું નામ ૧૯૫૦ના દાયકામાં કાર્યરત વિરા દેસાઈ એન્ડ કંપની નામની પથ્થરની કવોરી (ખાણ) પરથી રાખવામાં આવ્યુ હતું અને આ રોડનું નામ કવોરી ધરાવતા બે ભાઈઓ શ્યામજી ડાયાભાઈ અને વલ્લભજી ડાયાભાઈ અને ગોવિંદજી વસનજી દેસાઈના બે પરિવારોને આપવામાં આવ્યુ હતું. બીએમસી દ્વારા ઘણા સમય પછી આ રોડને સુધારણા માટે લેવામાં આવ્યો અને તેનુ નામ વિરા દેસાઈ રોડ રાખવામાં આવ્યું. અહીં આવેલી મોદી સોરાબજી વાછા ગાંધી અગિયારીના નામ પરથી વાછા ગાંધી માર્ગ નામ આપવામાં આવ્યુ હતું. અગિયારીનુ નિર્માણ શેઠ મોદી હિરજી વાછાના વંશજો દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમણે ૧૬૭૨માં મલબાર હીલ ખાતે સૌ પ્રથમ ટાવર ઓફ સાયલેન્સનું નિર્માણ કર્યુ હતુ. બીજી તરફ પેડર રોડનું નામ ૧૮૭૯માં મ્યુનિસિપલ કમિશ્નર એમ.જી. પેડરના નામથી રાખવામાં આવ્યુ હતું.

પ્રોજેકટ 'નકશા' શું છે ?

પ્રોજેકટ મુંબઈની પહેલનો ઉદ્દેશ્ય સમગ્ર શહેરમાં રોડ સાઈન બોર્ડ પર દર્શાવવામાં આવેલી અગ્રણી વ્યકિતઓના ઈતિહાસને પ્રસ્તુત બનાવવાનો છે. વધુમાં તે નકશા પર હોસ્પીટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી અન્ય નાગરીક સુવિધાઓની વિગતો આ પ્રોજેકટ દ્વારા પ્રદાન કરવામાં આવશે. આગલા પગલામાં સાઈન બોર્ડને કયુઆર કોડ આપવામાં આવ્યો હશે જે નાગરીકો માટે જુદા જુદા સ્થાનોને ડીજીટલી ટ્રેક કરવાનું આસાન બનાવશે અને સૌથી અગત્યનું એ છે કે બધા સ્થાનો જીઓટેગ કરેલા છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે પણ વ્યકિત કોડ સ્કેન કરે છે ત્યારે તે રસ્તો કયા પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આવે છે તે વિગત પણ મળશે. જેને લઈને ગુન્હાઓ અથવા અન્ય કટોકટીની ઘટનાઓની જાણ કરવાનું રાહદારીઓ માટે આસાન રહેશે.

જોશીએ વધુમાં જણાવ્યુ કે બીએમસીએ દરેક રસ્તાઓની તમામ વિગતો (નામો, રસ્તાની શરૂઆત અને અંત, વોર્ડ) સહિતની માહિતી તેમના એનજીઓ સાથે શેર કરી છે. મુંબઈ પોલીસે બીએમસી હેઠળની ૯૪ પોલીસ ચોકી અને સ્ટેશનોમાંથી દરેકના સ્થાનો અને સંપર્કની માહિતી મેપ કરવા અને શેર કરવા પણ સંમત્તિ આપી છે. મુંબઈ યુનિવર્સિટીએ ડેટા કલેકશન માટે ૧૫૦૦ વિદ્યાર્થી સ્વયંસેવકોની ઓફર કરી છે. ભારતની સૌથી અગ્રણી સંસ્થાઓમાની એક સંસ્થાએ તેના ઈતિહાસકારોને ડેટાની ચકાસણી કરી આપવા ઓફર કરી છે. એસોસીએશન ટૂંક સમયમાં રચના કરવામાં આવશે.

પ્રક્રિયા

માહિતી સંગ્રહમાં બે ભાગોમાં વિભાજીત કરવામાં આવશે. જોશીએ જણાવ્યુ કે જ્યારે તેમની સંસ્થાએ દરેક વોર્ડમાં દરેક રસ્તાઓનો નકશો બનાવવાની દરખાસ્ત કરી છે ત્યારે પ્રાયોગીક ધોરણે ૨૪ વહીવટી વોર્ડમાંથી ૫ વોર્ડને આવરી લેવામાં આવશે. આ વોર્ડ છે એ-વોર્ડ (ચર્ચગેટ, કોલાબા, ફોર્ટ) ડી-વોર્ડ (માલાબાર હીલ, નેપીયન્સી રોડ, ગ્રાંટ રોડ, વાલકેશ્વર), જી-સાઉથ (વરલી, લોઅર પરેલ, પ્રભાદેવી) કે-પૂર્વ (અંધેરી પૂર્વ, વિલેપાર્લે અને જોગેશ્વરી), ટી-વોર્ડ (મુલુંડ, નાહુર). શહેરનું કુલ રોડ નેટવર્ક લગભગ ૨૦૦૦ કિ.મી.નું છે જે પૈકીના લગભગ ૧૯૫૦ કિ.મી. રસ્તાઓની બીએમસી દ્વારા જાળવણી કરવામાં આવે છે.

પીડબલ્યુડી, એમએમઆરડીએ અને એમએસઆરડીસી જેવી એજન્સીઓ દ્વારા બાકીના ૫૦ કિ.મી. રાજ્ય ધોરીમાર્ગો (સાયનથી મુલુંડ સુધીના ઈસ્ટર્ન એકસપ્રેસ હાઈવેનો ૨૩.૨૫ કિ.મી. અને બાંદ્રાથી દહીંસર સુધીનોે વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવે ૨૫.૩૩ કિ.મી.) છે. અન્ય ઝોન-વોર્ડમાં એકત્રીત કરવામાં આવેલ ડેટાને તબક્કાવાર આ પ્રોજેકટમાં સામેલ કરાશે. સ્વયંસેવકોના સાથથી ચોક્કસ સંખ્યામાં રસ્તાઓ સહિતની માહિતીઓનો પ્રાથમિક ડેટા જે રેકોર્ડ પર છે તેનુ વેરીફીકેશન કરી ડીજીટલ પ્લેટફોર્મ મુકવામાં આવશે. શ્રી જોશીએ કહ્યુ કે મ્યુનિસિપલ અધિકારીઓ ત્યાર બાદ એક સાથે કયુઆર કોડ આપવાનું શરૂ કરશે.

(3:12 pm IST)