Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

બેન્‍ક અંગેની ફરિયાદ નિવારણ પ્રણાલીને વધુ સારી બનાવવા નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે આરબીઆઇ રિયલ ડાયરેક્‍ટ સ્‍કીમ અને ઇન્‍ટીગ્રેટેડ ઓમ્‍બડ્‍સમેન સ્‍કીમનો પ્રારંભ

નાના રોકાણકારોને પોતાના રોકાણ ઉપર સુરક્ષાનું આશ્વાસન મળશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 12 નવેમ્બરના રોજ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઇન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમની શરૂઆત કરાવી છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની રિટેલ ડાયરેક્ટ સ્કીમથી સરકારી સિક્યોરિટીઝમાં રિટેલ ભાગીદારી વધશે તો ઇન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનો હેતુ બેંક અંગે ફરિયાદ નિવારણ પ્રણાલીને વધારે સારી બનાવવાનો છે.

પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યુ કે, "આજે જે બેં યોજના લૉંચ કરવામાં આવી છે તેનાથી દેશમાં રોકાણના સ્તરનો વધારો થશે અને કેપિટલ માર્કેટ સુધી રોકાણકારોની પહોંચ વધારે સરળ અને વધારે સુવિધાજનક બનશે. ભારતમાં તમામ સરકારી સિક્યોરિટીઝમાં સુરક્ષાની ખાતરી હોય છે. આ જ કારણે નાના રોકાણકારોને પોતાના રોકાણ પર સુરક્ષાનું આશ્વાસન મળશે."

બેંક ગ્રાહકો માટે રાહત

ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ અંતર્ગત ગ્રાહકોની ફરિયાદો દૂર કરવામાં આવશે. એટલે કે આરીબીઆઈ દ્વારા સંચાલિત તમામ શાખાઓ અંગે ગ્રાહકોની કોઈ ફરિયાદ હોય તો તેના ઉકેલ માટે સારી વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. આ સ્કીમ એક રાષ્ટ્ર એક લોકપાલ પર આધારિત છે. જે અંતર્ગત ગ્રાહકોને ફરિયાદ માટે એક પોર્ટલ, એક ઈમેઇલ એડ્રેસ અને એક એડ્રેસની સુવિધા મળે છે. એટલે કે ફરિયાદી એક જ જગ્યાએ પોતાની ફરિયાદ દાખલ કરી શકે છે, દસ્તાવેજ જમા કરી શકે છે અને પોતાની અરજીની સ્થિતિ પણ જાણી શકે છે. ફરિયાદ નિવારણ માટે અલગ અલગ ભાષામાં એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે.

બચત ખાતા સાથે લિંક થશે ગિલ્ટ એકાઉન્ટ

આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, "ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ માટે હવે ફંડ મેનેજર્સની જરૂરિયાત નહીં રહે. રોકાણકારે હવે સીધું જ ગિલ્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ખાતું તેમના બચત ખાતા સાથે લિંક હશે. તમે કલ્પના કરી શકો છો કે તેનાથી લોકોને કામ કેટલું સરળ થઈ જશે."

બેંક અંગેની ફરિયાદ ક્યાં કરવાની રહેશે?

આરબીઆઈની યાદીના જણાવ્યા પ્રમાણે બેંક અંગેની કોઈ ફરિયાદ હોય તો ગ્રાહકો વેબસાઇટ https://cms.rbi.org.in. પર કરી શકે છે. ઇમેઈલ આઈડી CRPC@rbi.org.in પર પણ ફરિયાદ મોકલી શકાય છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ લેખિતમાં ફરિયાદ કરવા માંગતું હોય તો આ માટે 'Centralised Receipt and Processing Centre’, Reserve Bank of India, 4th Floor, Sector 17, Chandigarh- 160017 પર મોકલી શકાય છે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 14448 પર (9:45 am- 5:15 pm) સંપર્ક કરી શકાય છે. હાલ આ સેવા હિન્દી, અંગ્રેજી અને અન્ય આઠ સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ છે. ભવિષ્યમાં તેનો વ્યાપ વધારવામાં આવશે.

(5:09 pm IST)