Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વૈગઈ બંધનું જળસ્તર ૬૯ ફૂટે પહોંચતા પૂરની ચેતવણી

ચેન્નાઈમાં વરસાદ બાદ ભરાયેલા પાણી ઓસરી રહ્યા છે : રાનીપેટના પોય્યાપક્કમ ખાતેની ઓબ્ઝર્વેશન સાઈટ પર કલ્લાર નદી પૂરના સૌથી ઉંચા સ્તરની ઉપર વહી રહી છે

મદુરાઈ, તા.૧૨ : તમિલનાડુના મદુરાઈ ખાતે વૈગઈ બાંધનું જળસ્તર ૭૧ ફૂટની પૂર્ણ જળાશય ક્ષમતાની સરખામણીએ ૬૯ ફૂટ સુધી પહોંચતા પૂરની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે.

આ તરફ ભારે વરસાદ બાદ ચેન્નાઈના ટી નગરમાં પાણી ભરાતા પંપ વડે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તે સિવાય ચેન્નાઈમાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે જેથી જન-જીવન પણ સામાન્ય બની રહ્યું છે.

કેન્દ્રીય જળ આયોગના કહેવા પ્રમાણે રાનીપેટ જિલ્લાના પોય્યાપક્કમ ખાતે તેમની ઓબ્ઝર્વેશન સાઈટ પર કલ્લાર નદી પૂરના સૌથી ઉંચા સ્તરની ઉપર વહી રહી છે.

આ તરફ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શુક્રવારે ચેન્નાઈમાં વરસાદ દરમિયાન બચાવ કાર્ય માટે મહિલા ઈન્સ્પેક્ટર રાજેશ્વરીને સન્માનિત કર્યા હતા. ગુરૂવારે ઈન્સ્પેક્ટર એક બેહોશ આદમીને પોતાના ખભે નાખીને ઓટોરીક્શા દ્વારા ચેન્નાઈની એક હોસ્પિટલ પહોંચ્યા હતા.

રાજ્યમાં વરસાદ સંબંધીત ઘટનાઓમાં ૧૪ લોકોના મોત થઈ ચુક્યા છે, ખેતરોમાં ઉભો પાક જળમગ્ન થઈ ગયો છે, ઝાડ ઉખડી ગયા છે અને ૧,૦૦૦ કરતાં વધારે ઝૂંપડીઓને નુકસાન પહોંચ્યું છે. ૨૦૧૫ બાદ નવેમ્બર મહિનામાં એક દિવસમાં વરસેલો આ સૌથી વધારે વરસાદ છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ૨૦૩.૫ મિમી વરસાદ ખાબક્યો.

તમિલનાડુના અન્ય ઉત્તરી ક્ષેત્રોમાં પણ પાણી ભરાયા છે. અનેક ક્ષેત્રોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીજકાપ મુકવામાં આવ્યો છે. વરસાદના કારણે રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું છે.

 છેલ્લા ૪ દિવસો દરમિયાન પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે અને પરિવહનમાં પણ મુશ્કેલી પડી રહી છે.

(7:13 pm IST)