Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પેન્સિલની ગ્રેફાઈડ માટે યુએસે ભારત પર નિર્ભર

કોરોના મહામારીની વચ્ચે બાઈડનને ભારતની યાદ આવી : યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને અમેરિકાના પોર્ટ, એરપોર્ટ, રેલ માલગાડીનું આધુનિકીકરણ કરવાનું વચન આપ્યું

વોશિંગ્ટન , તા.૧૨ : કોરોના વાયરસ મહામારી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને ભારત અને બ્રાઝિલની યાદ આવી છે. તેમણે આપૂર્તિ વ્યવસ્થા નબળી પડવાનો ઉલ્લેખ કરતા ભારત અને બ્રાઝિલનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ના કારણે ગ્લોબલ સપ્લાય ચેન પ્રભાવિત થવાના પરિણામે ક્રિસમસ અગાઉ ઉત્પાદનોની કિંમતોમાં વધારો થયો અને તેના ટ્રાન્સપોર્ટેશનમાં ઘણો વિલંબ થયો છે.

જો બાઈડેને અમેરિકામાં બનનારી એક નાનકડી પેન્સિલ માટે બ્રાઝિલ અને ભારતથી આવતા કાચા માલનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે પેન્સિલ માટેની લાકડી બ્રાઝિલથી આવે છે જ્યારે તેના ગ્રેફાઈટ માટે આપણે ભારત પર નિર્ભર રહેવું પડે છે.

બાલ્ટીમોરમાં બોલતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને અમેરિકાના પોર્ટ, એરપોર્ટ, રેલ માલગાડીનું આધુનિકીકરણ કરવાનું વચન આપ્યું. જેથી કરીને અમેરિકી કંપનીઓ માટે પોતાનો સામાન બજારમાં લાવવા અને સપ્લાય ચેનના સંકટને સમાપ્ત કરવામાં સરળતા થઈ રહે.

જો બાઈડેને કહ્યું કે કોવિડ-૧૯ મહામારી અગાઉ સપ્લાય ચેન ક્યારેય આટલી પ્રભાવિત થઈ નથી. તેના કારણે ચીજોના ભાવમાં વધારો થયો અને તેના સપ્લાયમાં ઘણો વિલંબ થયો. તેમણે કહ્યું, સરળ શબ્દોમાં સપ્લાય ચેન કોઈ ઉત્પાદનની ગ્રાહકો સુધી પહોંચવાની મુસાફરીને કહે છે. કોઈ ઉત્પાદનને તૈયાર કરવામાં કાચો માલ, શ્રમ સહિત અનેક ચીજોની જરૂર પડે છે.

જો બાઈડેને કહ્યું કે, 'આ સપ્લાય ચેન પેચીદા હોય છે. એક પેન્સિલની જ વાત કરી લો. તેના માટે બ્રાઝિલથી લાકડી અને ભારતથી ગ્રેફાઈટ મંગાવવામાં આવે છે. ત્યારબાદ અમેરિકાની કોઈ ફેક્ટરીમાં તેનું ઉત્પાદન થાય છે અને ત્યારે જઈને એક પેન્સિલ મળે છે. આ થોડું અજીબ છે પરંતુ આ જ વાસ્તવિકતા છે.

(8:49 pm IST)