Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રેલવેનો મોટો નિર્ણય : સ્પેશિયલ ટ્રેનોને બદલે રેગ્યુલર ટ્રેનો દોડાવાશે :ખાસ ભાડાને બદલે જૂનું નિયમિત ભાડું લાગુ થશે

મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોની સેવા હવે પહેલાની જેમ સામાન્ય ટ્રેનો જેવી હશે

નવી દિલ્હી : રેલવે તંત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાકહ્યું છે કે મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોની સેવા હવે રેગ્યુલર ટ્રેનો જેવી જ હશે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને નિયમિત મેલ/એક્સપ્રેસ ટ્રેનો ખાસ ટ્રેન તરીકે ચલાવવામાં આવી રહી હતી. પરંતુ હવે આ ટ્રેનોનું સામાન્ય સંચાલન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.એટલે કે મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોની સેવા હવે પહેલાની જેમ સામાન્ય ટ્રેનો જેવી હશે.આ ટ્રેનો ફરીથી નિયમિત નંબરો સાથે દોડશે. આ સાથે, ખાસ ભાડાને બદલે જૂનું નિયમિત ભાડું ફરીથી લાગુ થશે.

રેલવેના જણાવ્યા અનુસાર, ન તો રેલવે પહેલાથી બુક કરાયેલી ટિકિટ પર કોઈ પૈસા વસૂલશે અને ન તો રેલવે કોઈ રિફંડ આપશે. CRISને આ અંગે જરૂરી ફેરફારો કરવા માટે કહેવામાં આવ્યું છે.

રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે આ સંબંધમાં સૂચનાઓ જારી કરી છે, જે આગામી થોડા દિવસોમાં લાગુ કરવામાં આવશે. આ નિર્ણય પછી, આગામી થોડા દિવસોમાં 1700 થી વધુ ટ્રેનો નિયમિત ટ્રેન તરીકે કામ કરવાનું શરૂ કરશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 સંબંધિત સાવચેતી અને નિયંત્રણો તમામ ટ્રેનોમાં અમલમાં રહેશે.

(11:18 pm IST)