Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજકોટમાં કોરોના ‘વેકસીન'ના શ્રીફળ - કંકુ- ચોખા સાથે વધામણા

એરપોર્ટ ખાતે વહેલી સવારે ૬ાા વાગ્‍યે શાનદાર સ્‍વાગત : પ્રથમ રાઉન્‍ડમાં રાજકોટ સૌરાષ્‍ટ્ર - કચ્‍છ માટે ૭૭ હજાર ડોઝની ફાળવણી : મીનીસ્‍ટરો આર.સી.ફળદુ - કુંવરજીભાઇ બાવળીયા - મેયર - કલેકટર - પોલીસ કમિશનર - એડીશનલ કલેકટર સહિતનાની ઉપસ્‍થિતિ : એરપોર્ટથી ગ્રીનકોરીડોર મારફત શ્રોફ રોડ પરના રીજીયોનલ સ્‍ટોરમાં રસી રખાઇ : ૨૪ કલાક સઘન પોલીસ બંદોબસ્‍ત : ૨ થી ૮ ડીગ્રી તાપમાનમાં રખાશે : ૨૪ કલાક ઇવીન સોફટવેર મારફત ઓનલાઇન ચેકીંગ : આજથી દરેક જિલ્લાને પ્રમાણ મુજબ વેકસીન ફાળવાશે

રાજકોટમાં વેકસીનના વધામણા : રાજકોટ એરપોર્ટ પર વહેલી સવારે ૬ાા વાગ્‍યે સ્‍પાઇસ જેટની ફલાઇટમાં સીરમ ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ ઇન્‍ડિયાની કોરોના વેકસીનનો પ્રથમ ૭૭ હજાર બોટલનો ડોઝ આવી પહોંચ્‍યો હતો. તસ્‍વીરમાં આવી પહોંચેલ રસી અને સ્‍વાગત કરતા આર.સી.ફળદુ, કુંવરજીભાઇ બાવળીયા, કલેકટર, મેયર, પોલીસ કમીશનર, એડી. કલેકટર નજરે પડે છે, ખાસ કોવીડ-૧૯ વેકસીન વાનમાં રસીને લીલીઝંડી આપતા મહાનુભાવો અને SRDDના સ્‍ટોરમાં રસી મુકાઇ તે જણાય છે. આ પ્રસંગે મંત્રીશ્રી આર.સી.ફળદુ, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, કલેકટર શ્રી રેમ્‍યા મોહન, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, મ્‍યુ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, રૂરલ એસ.પી. શ્રી બલરામ મીણા, ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા, આરોગ્‍ય અધિકારી શ્રી રાઠોડ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે વેગડા મહેશ્વરી (લેબ. ટેક), નર્સિંગ સ્‍ટાફ આરોગ્‍ય શાખા, ડો. શાહીન ખોખર (મેડીકલ ઓફિસર), અરૂણાબેન પટેલ, નિરૂપમાબેન પરમાર, હેતલબેન ભેંસાણીયા, ઉર્મિલાબેન માલ, વિશ્વાબેન ડાભી, લતાબેન પુરોહિત, નિરાલી સાવલીયા, નિરાલી હદવાણી, ગોસાઇ રેણુકા, ઝરણા જાની, ધામેચા કોકીલાબેન, મારૂ વેરોનીકાબેન, સુખાનંદી મીરાબેન, મેર કૃણાલ, રાજન વાઘેલા, મેર વામન, રામેશ બારૈયા, મોસીન, ચિરાગ તેરૈયા, પાંડાવદરા મીલન, પાંડાવદરા ભરત, દિવ્‍યેશ અગ્રવાત, જીજ્ઞેશભાઇ સાકરીયા, પાર્થરાજસિંહ ઝાલા, પરાગભાઇ ચૌહાણ, હાર્દિકભાઇ સોલંકી, ડો. લલિત વાઝા, ડો. મનીષ ચુનારા, ડો. હાર્દિક મેતા વિ. ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 

રાજકોટ તા. ૧૩ : દેશભરમાં હાહાકાર મચાવનાર ‘કોરોના' સામે સરકારે વેકસીન ઉતારી મેદાને જંગ કર્યું છે, આજે મુંબઇથી ફલાઇટ મારફત રાજકોટ અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ માટે કોરોના વેકસીનનો કુલ મોટા ૫ બોકસમાં ૭૭ હજાર બોટલનો પ્રથમ જથ્‍થો રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા આ સીરમ ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ ઇન્‍ડિયાની વેકસીનનું શ્રીફળ - કંકુ - ચોખા સાથે શાનદાર સ્‍વાગત કરી એરપોર્ટથી શ્રોફ રોડ સુધી બનાવાયેલ ગ્રીન કોરીડોર રસ્‍તા દ્વારા આર.ડી.ડી.ના ખાસ સ્‍ટોરેજમાં મુકી દેવાયો હતો, હવે આજથી રાજકોટ કોર્પોરેશન અને અન્‍ય શહેરોની જિલ્લા પંચાયતને વિતરણ કરાશે અને ૧૬મીથી પ્રથમ તબક્કામાં હેલ્‍થ વર્કરોને આ ડોઝ અપાશે.

આજે વેકેસીન આવી પહોંચ્‍યા બાદ એરપોર્ટ ખાતે મંત્રીશ્રીઓ શ્રી આર.સી.ફળદુ, કુંવરજીભાઇ બાવળીયા, મેયર બીનાબેન આચાર્ય, કલેકટર શ્રી રેમ્‍યા મોહન, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, ડીડીઓ શ્રી રાણા વાસીયા, એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા, કોર્પોરેશનના ડોકટરો શ્રી વાજા, ડો. રાઠોડ, જિલ્લા પંચાયતના આરોગ્‍ય અધિકારી ડો. ભંડેરી તથા અન્‍ય ડોકટરો - અધિકારીઓ દ્વારા શ્રીફળ - કંકુ - ચોખાથી વધામણા કરાયા હતા, કુલ ૫ બોક્‍સમાં ૭૭ હજાર બોટલ વેકસીન આવી પહોંચી છે.

ત્‍યારબાદ એક શણગારેલા ટ્રકમાં આ જથ્‍થો લોડ કરી કોવીડ-૧૯ વેકસીન વાનમાં ગ્રીન કોરીડોર બનાવાયેલ રસ્‍તા મારફત શ્રોફ રોડ પર આવેલ આરડીડીના સ્‍ટોરેજ ખાતે રાખી દેવાયો હતો. એરપોર્ટ ખાતે મીનીસ્‍ટરો - મેયર - કલેકટર - પોલીસ કમિશનરશ્રીએ લીલીઝંડી આપી વેકસીન રવાના કરાવી હતી.

શ્રોફ રોડ ઉપર પણ વેકસીનનું શાનદાર સ્‍વાગત કરાયું હતું, આખા સ્‍ટોરેજને ફુલ અને ફુગ્‍ગાથી શણગારાયું હતું.

સીરમ ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ ઇન્‍ડીયા દ્વારા બનાવાયેલી આ વેકસીનનો પ્રથમ રાઉન્‍ડમાં ૭૭ હજાર ડોઝ મળ્‍યા છે. આ જથ્‍થો ૨ થી ૮ ડીગ્રી તાપમાને જાળવવામાં આવશે.

આ માટે રાજકોટમાં વિભાગીય સ્‍ટોર બનાવાયો છે, આ માટે 2 WIC અને 6 ILR ઉપલબ્‍ધ છે, ૨૪ કલાક વીજ પ્રવાહ મળે તે માટે ઓટો સ્‍ટાર્ટ જનરેટરની વ્‍યવસ્‍થા રખાઇ છે, તથા ફ્રીઝમાં જરૂરી તાપમાન જળવાઇ રહે તે માટે ફ્રીઝનું તાપમાન અને સ્‍ટોકનું EVIN સોફટવેર દ્વારા ૨૪ કલાક ઓનલાઇન મોનીટરીંગ કરાઇ રહ્યું છે, તેમજ રાઉન્‍ડ ધ કલોક પોલીસનો સજ્જડ બંદોબસ્‍ત વિભાગીય સ્‍ટોરેજ ખાતે રખાયો છે.

આ વિભાગીય સ્‍ટોર ઉપરથી રાજકોટ જિલ્લા પંચાયતને ૯ હજાર ડોઝ, રાજકોટ કોર્પોરેશનને ૧૬૫૦૦ ડોઝ, જામનગર જિલ્લા પંચાયતને ૫ હજાર ડોઝ, જામનગર કોર્પોરેશનને ૯ હજાર ડોઝ, દેવભૂમિ દ્વારકાને ૪૫૦૦, પોરબંદર ૪૦૦૦, મોરબી ૫ હજાર તથા કચ્‍છ જિલ્લા પંચાયતને ૧૬ હજાર ડોઝ ફાળવવામાં આવશે.

(10:55 am IST)