Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

પાંચ દિવસ બાદ ફરી ભાવવધારો કરાયો

આજે ફરી વધ્યા ભાવ : મુંબઇમાં પેટ્રોલ ૯૧ રૂપિયાને પાર

નવી દિલ્હી તા. ૧૩ : સરકારી ઓઇલ કંપનીઓએ પાંચ દિવસ બાદ ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જેને કારણે મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૧ રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે. નોંધનીય છે કે ૨૯ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા બાદ તેમાં ૬ અને ૭ જાન્યુઆરીએ વધારો કરવામાં આવ્યો હતો. આ બે દિવસમા; જ પેટ્રોલના ભાવ ૪૯ પૈસા પ્રતિ લીટર વધ્યો, જયારે ડીઝલ ૫૧ પૈસા મોંઘું થયું હતું. બુધવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં પણ ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો. આ વધારા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ ૮૪.૪૫ રૂપિયા અને ડીઝલ ૭૪.૬૩ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું.

દિલ્હી- પેટ્રોલ ૮૪.૪૫ રૂપિયા અને ડીઝલ ૭૪.૬૩ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૧.૦૭ રૂપિયા અને ડીઝલ ૮૧.૩૪ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૮૫.૯૨ રૂપિયા અને ડીઝલ ૭૮.૨૨ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૮૭.૧૮ રૂપિયા અને ડીઝલ ૭૯.૯૫ રૂપિયા પ્રતિ લીટર છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

(11:47 am IST)