Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

દિલ્હી સહિત ૧૩ શહેરોમાં પહોંચી કોરોના રસીની પહેલી ખેપ

સરકારને ર૦૦ રૂપિયામાં અને પ્રાઇવેટ માર્કેટમાં મળશે ૧૦૦૦ રૂપિયામાં

નવી દિલ્હી તા. ૧૩ :.. દેશમાં કોરોના સામે રસીકરણની તૈયારીઓ વચ્ચે રાજધાની દિલ્હી સહિત ૧૩ શહેરોમાં કોવિડશીલ્ડની પહેલી ખેપ પહોંચી ગઇ છે. પુણેથી સીરમ ઇન્સ્ટીટયુટની કોવીશીલ્ડના પ૬.પ લાખ ડોઝ સાથેની ફલાઇટો સંચાલિત કરાઇ હતી. સીરમ ઇન્સ્ટીટયુટ ભારતમાં ઓફસફર્ડ - એસ્ટ્રેજેનેકા દ્વારા તૈયાર કરાયેલ રસીનું ઉત્પાદન કરે છે. દેશમાં રસીકરણની શરૂઆત ૧૬ જાન્યુઆરીથી થશે. સરકારને આ રસી ર૦૦ રૂપિયામાં અને પ્રાઇવેટ માર્કેટમાં તે ૧૦૦૦ રૂપિયામાં મળશે.

સવારમાં કડક સુરક્ષા વચ્ચે ત્રણ ટ્રકોમાં કોવિશીલ્ડના ડોઝ ભરીને પુણે એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા. ત્યાંથી એર ઇન્ડીયા, ઇન્ડીગો, ગોએર અને સ્પાઇસ જેટના વિમાનોમાં આ ડોઝને  દેશના અલગ-અલગ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા, પહેલી ખેપમાં દિલ્હીને ર.૬૪ લાખ, આંધ્ર પ્રદેશને ૪.૯૬ લાખ, કર્ણાટકને ૬.૪૭ લાખ, તેલંગાણાને ૩.૬૪ લાખ, ગુજરાતને ર.૭૬ લાખ, તમિલનાડુને પ.૩૬ લાખ અને કેરળને ૪.૩૩ લાખ ડોઝ આપવમાં આવ્ય છે. દવા નિયામક ડીસીજીઆઇએ હાલમાં જ બે રસીને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. તેમાં સીરમ ઇન્સ્ટીટયુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેકસીન સામેલ છે. કોવેકસીન સંપૂર્ણપણે સ્વદેશી રસી છે.

રસીનો સપ્લાય શરૂ થયા પછી સીરમ ઇન્સ્ટીટયુટના સીઇએ અદાર પુનાવાલાએ તેને ઐતિહાસીક ક્ષણ ગણાવી હતી. તેમણે કહયું કે ર૦ર૧ માં અમારો મહત્વનો પડકાર છે. દેશના બધા લોકોને રસી ઉપલબ્ધ કરાવવી. દુનિયાભરમાંથી રસીની માંગ બાબતે પુનાવાલાએ કહયું કે અમે બધાને રાજી રાખવાની કોશિષ કરી રહ્યા છીએ. આપણા લોકો અને દેશનું હિત જરૂરી છે. તેમણે જણાવ્યું કે સીરમ દર મહિને સાત થી આઠ કરોડ ડોઝનું ઉત્પાદન કરે છે.

સ્પાઇસ જેટે બેલ્જીયમના બ્રસેલ્સ એરપોર્ટથી રસીની સુગમ અવરજવર માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ બ્રસેલ્સ એરપોર્ટ સ્પાઇસ જેટને સ્લોટ આપવા અને નેટવર્કીંગ કોન્ટ્રાકટ બાબતે સહયોગ કરશે જેથી રસીનો સપ્લાય સુનિશ્ચીત થાય.

(3:48 pm IST)