Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

૧૬ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસીકરણ અભિયાન, કો-વિન એપ લોન્ચ કરશે

દેશમાં કોરોના વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે આ અભિયાનની શરૂઆત કરી શકે છે, દેશના જુદા-જુદા રાજ્યમાં વેક્સિનેશનની એક સાથે શરૂઆત કરાશે

નવી દિલ્હી, તા. ૧૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોના વેક્સિનેશનના મહાભિયાનની શરૂઆત કરશે. સાથે જ પીએમ મોદી દ્વારા કો-વિન એપ પણ લોન્ચ કરવામાં આવશે. દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણનું મહાભિયાન શરૂ થશે.

સૂત્રોનું માનીએ તો, પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે આ અભિયાનની શરૂઆત કરી શકે છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં આ દરમિયાન એક સાથે વેક્સિનેશનની શરૂઆત કરાશે.

નોંધનીય છે કે, કોરોના વેક્સિન લેનારને બે ડોઝ આપવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન કરાવું પડશે. તે બાદ જ કો-વિન એપ દ્વારા રસીકરણની તારીખ, સ્થળ અને અન્ય માહિતી આપવામાં આવશે. બન્ને ડોઝ આપ્યા બાદ વ્યક્તિને ફોન પર જ સર્ટિફિકેટ આવી જશે.

દિલ્હીની વાત કરીએ તો લોકનારાયણ જય પ્રકાશ હોસ્પિટલમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આ કાર્યક્રમમાં દિલ્હીની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સામેલ થઇ શકે છે. આ ઉપરાંત રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ અભિયાન શરૂ કરવામાં આવશે, જ્યાં કોરોના રસીનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં બે વેક્સિનને મંજૂરી મળી છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન. જેની સપ્લાઇ ગઇકાલથી શરૂ થઇ ચૂકી છે. દેશના દરેક રાજ્યોમાં વેક્સિનને પહોંચાડવામાં આવી રહી છે. ભારતમાં ઘણા તબક્કામાં વેક્સિનેશનનું કાર્ય થશે. જેની શરૂઆત ૧૬ જાન્યુઆરીથી થશે.

હાલ ત્રણ કરોડ કોરોના વોરિયર્સને વેક્સિન અપાશે. જે બાદ ફ્રન્ટલાઇન વર્કર્સ, ૫૦ વર્ષથી વધુ ઉંમરવાળા લોકો અને ગંભીર બિમારી ધરાવતાં લોકોને ડોઝ આપવામાં આવશે.   દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ ઉપરાંત, ભારત બાયોટેકની કોવેક્સિનની સપ્લાય પણ શરૂ થઈ ગઈ છે.

દરમિયાનમાં ભારતમાં કોરોના વાયરસ સામે રક્ષણ પુરું પાડવા કોરોના વેક્સિનનું સફળ ટ્રાન્સપોર્ટેશન શરૂ થયું છે. ગઈકાલે પુણેથી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યા બાદ બુધવારે ભારત બાયોટેકની રસી કોવેક્સિનનો પ્રથમ જથ્થો હૈદરાબાદથી રવાના કરાયો હતો. એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટમાં કોરોના રસીનો પ્રથમ જથ્થો દિલ્હી મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત વધુ ૧૦ શહેરોમાં પણ કોવેક્સિનનો જથ્થો મોકલવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હૈદરાબાદથી દિલ્હી મોકલવામાં આવેલા જથ્થામાં ૮૦.૫ કિલોગ્રામના ત્રણ બોક્સનો સમાવેશ થાય છે. બુધવારે સવારે ૬.૪૦ વાગ્યે એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ ૫૫૯ મારફતે કોરોનાની વેક્સિનની પ્રથમ ખેપ હૈદરાબાદથી દિલ્હી રવાના થઈ હતી. દિલ્હી ઉપરાંત બેંગ્લુરુ, ચેન્નાઈ, પટણા, જયપુર અને લખનઉમાં પણ કોવેક્સિનનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. અધિકારીએ આપેલી માહિતી મુજબ કુલ ૧૪ કન્સાઈન્મેન્ટ મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયના મતે કોવેક્સિનના ૫૫ લાખ તેમજ કોવિશીલ્ડના ૧.૧ કરોડ ડોઝ ખરીદવામાં આવ્યા છે. આ બન્ને વેક્સિનને ડીસીજીઆઈએ ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આઈસીએમઆર સાથે સહયોગમાં ભારત બાયોટેકે આ વેક્સિન તૈયાર કરી છે. ભારત બાયોટેક પ્રારંભિક ૩૮.૫ લાખ ડોઝ રૂ. ૨૯૯ની કિંમતે આપી રહ્યું છે. કંપનીએ કેન્દ્ર સરકારને ૧૬.૫ લાખ ડોઝ નિઃશુલ્ક આપવાનો પણ નિર્ણય કર્યો છે. ૧૬મી જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ થશે. પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને મફત રસી આપવામાં આવશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી કોવિશીલ્ડના ૨.૭૬ લાખ ડોઝ કેન્દ્રે મંગળવારે ગુજરાતને મોકલ્યા હતા. ગુજરાતમાં આજે કોવિશીલ્ડના વધુ ડોઝ સુરત, વડોદરા ખાતે રોડ માર્ગે આવ્યા છે. કેન્દ્ર સરકારને અત્યાર સુધીમાં ૫૪,૭૨,૦૦૦ ડોઝ મળી ચુક્યા છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે ૧૪ જાન્યુઆરી સુધીમાં રાજ્યોને તમામ ખેપ મોકલી આપવામાં આવશે. રસીકરણ દરમિયાન દરેક વ્યક્તિને કોરોના રસીના બે ડોઝ આપવામાં આવશે. પ્રથમ ડોઝ આપ્યાના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ આપ્યાના ૧૪ દિવસ બાદ તેની અસર શરૂ થશે.

(7:44 pm IST)