Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

દેશમાં ૨૨ માસમાં એક પણ મુસાફરે જીવ નથી ગુમાવ્યો

રેલવે મંત્રી પિયૂષ ગોયલનો રાજ્યસભામાં અહેવાલ રજૂ કર્યો : રેલવેના ૩૪,૬૬૫ પુલોનું આયુષ્ય ૧૦૦ વર્ષ કરતા પણ વધારે થયું, રેલવે બોર્ડમાં સેફ્ટી ડાયરેક્ટર જનરલની વરણી

નવી દિલ્હી, તા. ૧૨ : રેલવે મંત્રી પિયૂષ ગોયલે રાજ્યસભામાં રજૂ કરેલા અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૨ મહિનામાં દેશમાં રેલવે દુર્ઘટનામાં એક પણ મુસાફરે પોતાનો જીવ નથી ગુમાવ્યો. ઉપરાંત એક સવાલના જવાબમાં તેમણે ભારતીય રેલવેના ૩૪,૬૬૫ પુલોનું આયુષ્ય ૧૦૦ વર્ષ કરતા પણ વધારે થઈ ગયું હોવાની માહિતી આપી હતી.

રેલવે મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા ૬ વર્ષમાં અમે રેલવેની સુરક્ષામાં સૌથી વધારે ધ્યાન આપ્યું છે. છેલ્લે ૨૨ માર્ચ, ૨૦૧૯ના રોજ રેલવે દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ છેલ્લા ૨૨ મહિનામાં કોઈ પણ મુસાફરનું દુર્ઘટનામાં મૃત્યુ નથી થયું. સાથે જ તેમણે પહેલી વખત રેલવે બોર્ડમાં સેફ્ટી ડાયરેક્ટર જનરલની નિયુક્તિ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

રેલવે મંત્રીના કહેવા પ્રમાણે ભારતીય રેલવેના ૩૪,૬૬૫ પુલોનું આયુષ્ય ૧૦૦ વર્ષ કરતા પણ વધારે થઈ ગયું છે. સરકાર સમયે-સમયે તેમની વાસ્તવિક સ્થિતિની આકારણી કરે છે અને વર્ષમાં બે વખત તેમનું નીરિક્ષણ કરવામાં આવે છે. ચોમાસુ શરૂ થતા પહેલા અને ચોમાસાની પૂર્ણાહુતિ બાદ તેમનું વિસ્તૃત નીરિક્ષણ કરવામાં આવે છે. હાલપુલની સ્થિતિનું નીરિક્ષણ કરવા માટે સંખ્યાત્મક રેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. વધુમાં જણાવ્યું કે, સરકારની પુલોના વર્ગીકરણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવાની કોઈ જ યોજના નથી અને રેલવે પુલોને જળમાર્ગોની જરૂરિયાતના આધારે મહત્વપૂર્ણ, નાના અને મોટા એમ વર્ગીકૃત કરે છે.

(12:00 am IST)