Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

અકિલા ડિજિટલ : શું તમે કોઈ એવા વ્યક્તિ વિશે સાંભળ્યું છે કે જેણે વિદેશની દોઢ લાખની નોકરી છોડી અને પોતાના માતા-પિતા અને વતનના પ્રેમ માટે વતન પરત ફર્યો હોય? ના ને? .... તો જુઓ આ રાજકોટના યુવાન હાર્દિક વ્યાસનો વિડીયો

રાજકોટ : હાલના સમયમાં નવી પેઢીને પીઝા અને પાસ્તા જેવી ચટપટી વાનગીઓના શોખ છે તેવા સંજોગોમાં સમાજને માયકાંગલો નહીં પણ તંદુરસ્ત બનાવવાની નેમ સાથે રાજકોટના યુવાન હાર્દિક વ્યાસે નવો પ્રયોગ કર્યો છે. હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરી મોરેશીઅશમાં ટ્રેનિંગ મેળવી દોઢ લાખની નોકરી પણ ઠુકરાવી દેનાર હાર્દિકે કોઈ મજબૂરીથી નહીં પણ ખરા દિલથી પૈસાને મહત્વ આપ્યા વિના સમાજની તંદુરસ્તીને વધુ મહત્વ આપ્યું છે.સાથોસાથ નાણાં કમાવા માટે રાજકોટમાં રહેતા માતાપિતાને એકલા મુકવાનું વ્યાજબી નહીં લાગતા તેણે રાજકોટની વાટ પકડી હતી.

અલબત્ત સામાન્ય પરિવારમાંથી આવતા આ યુવાન પાસે નવો ધંધો કરવા માટે  મૂડી ન હોય તે સ્વાભાવિક છે. તેથી જ તેણે માત્ર 50 હજાર રૂપિયાની મૂડીથી રાજકોટના પ્રેમ મંદિર પાસે દૂધની લારી મૂકી વ્યવસાય શરૂ કર્યો. નાનપણથી જ કુકીન્ગનો શોખ ધરાવતો આ યુવાન ધારત તો સ્વાદિષ્ટ અને ચટપટી વાનગીઓ બનાવી ટંકશાળ પાડી શકત. પણ તેના સંસ્કાર અને વિચારો આવું કરવાની ના પાડતા હતા. તેના મનમાં સમાજ અને રાષ્ટ્રને તંદુરસ્ત બનાવવાની દેશદાઝ હતી. તેથી જ તેણે દૂધનો વ્યવસાય પસંદ કર્યો, અને આ વ્યવસાયે આજ વિશાળ રૂપ ધારણ કરી લીધું છે.

અલબત્ત આ દૂધ કોઈ સામાન્ય કે ચીલાચાલુ નથી. દૂધ પ્રત્યે સૂગ ધરાવતા યુવાનોને પણ ઊભા ઊભા આખેઆખો ગ્લાસ ટટકાવવાનું મન થઇ જાય તે માટે તેણે દૂધમાં પણ અનેક સત્વ ઉમેરી  સ્વાદિષ્ટ બનાવી દીધું છે. જેમકે  કેસર દૂધ ,મલાઈ દૂધ ,ખજૂર મિશ્રિત દૂધ ,થાબડી મિશ્રિત દૂધ જેવા સાત્વિક અને તંદુરસ્તી બક્ષે તેવા દૂધનો વ્યવસાય શરૂ કર્યો છે. વધુ આનંદની વાત એ છે કે આ દૂધ પ્લાસ્ટિક કે કાચના ગ્લાસમાં નહીં પણ માટીના ગ્લાસમાં આપવામાં આવે છે.તેમજ ચમચી પણ લાકડાની હોય છે.તેની લારીમાં તમને પ્લાસ્ટિકની કોઈ વસ્તુ જોવા પણ નહીં મળે.પ્રેમ મંદિર પાસેથી નીકળવાનું થાય ત્યારે આ યુવાનની જરૂર મુલાકાત લેજો.

વર્તમાન કોરોનાના સમયમાં આવો સાત્વિક વ્યવસાય કરી સમાજ અને રાષ્ટ્રની ઇમ્યુનીટી વધારવા કાર્યરત હાર્દિકની દેશદાઝ સલામ કરવા લાયક છે.સાથોસાથ એવો વિચાર પણ આવે છે કે સમાજને હજુ આવા હાર્દિકની જરૂર છે.

કેમેરામેન : સંદીપ  બગથરીયા l એન્કર : નિલેશ શીશાંગીયા 
અકિલા ડિજિટલ, રાજકોટ, ગુજરાત

(10:12 pm IST)