Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ગાઝિયાબાદ દેશનું સૌથી પ્રદૂષિત શહેર : નોઇડા બીજા અને ગ્રેટર નોઇડા ત્રીજા ક્રમે

ગુડગાંવ અને ફરીદાબાદમાં હવાની ગુણવત્તા ખૂબ નબળી કેટેગરીમાં નોંધાઈ

નવી દિલ્હી : દેશમાં વાયુ પ્રદૂષણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે, શુક્રવારે નોઈડા દેશનું બીજું અને ગ્રેનો ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ઇન્ડેક્સ મુજબ, એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) નોઇડામાં 363 અને ગ્રેટર નોઇડામાં 352 નોંધાયો હતો. જ્યારે 372 AQI સાથે ગાઝિયાબાદ સૌથી પ્રદૂષિત શહેર રહ્યું.

વધતા પ્રદૂષણનું મુખ્ય કારણ પવનની ગતિ ઓછી હોવાનું જણાવાયું છે. ગુરુવારે ગ્રેટર નોઈડાનો AQI 358 અને નોએડાનો 313 નોંધાયો છે. આવી સ્થિતિમાં શુક્રવારે ગ્રેટર નોઈડામાં હવાની ગુણવત્તાના સૂચકાંકમાં ઘટાડો થયો હતો, જ્યારે નોઇડામાં વધારો નોંધાયો. એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં હવાની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.

સરકારી એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઇડા, ગુડગાંવ અને ફરીદાબાદમાં હવાની ગુણવત્તા ખૂબ નબળી કેટેગરીમાં નોંધાઈ. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રક બોર્ડનાં જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે 4 વાગ્યે, વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) ગાઝિયાબાદમાં 372, નોઇડામાં 363, ગ્રેટર નોઇડામાં 352, ફરીદાબાદમાં 326 અને ગુડગાંવમાં 347 નોંધાયો હતો.

ગુરૂવારે ગાઝિયાબાદમાં 345, નોઇડામાં 313, ગ્રેટર નોઇડામાં 358, ફરીદાબાદમાં 290 અને ગુડગાંવમાં 294 વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) હતો. જ્યારે બુધવારે ગાઝિયાબાદમાં 356, નોઇડામાં 311, ગ્રેટર નોઇડામાં 348, ફરીદાબાદમાં 294 અને ગુડગાંવમાં 247 AQI હતો.

(9:44 am IST)