Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કાશ્મીરમાં આતંક ફેલાવવા તુર્કીએ બનાવ્યું મહાભયાનક ષડયંત્ર : ભારતને ચેતવતુ ગ્રીસ

પાકિસ્તાનનો સાથ આપવા માટે તુર્કી ભાડાના આતંકવાદીઓ મોકલી શકે : એક આતંકવાદી સંગઠનના ચીફનો સહયોગ પણ લીધો

નવી દિલ્હી : કાશ્મીરને લઇને પાકિસ્તાન અને તુર્કીની વચ્ચે ગાઢ થતી દોસ્તી પર ગ્રીસની મીડિયાએ ભારત ને ચેતવણી આપી છે. ગ્રીસની મીડિયાએ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનનો સાથ આપવા માટે તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ એર્દોગન પોતાના ભાડાના આતંકવાદીઓ મોકલી શકે છે. આ માટે એર્દોગનના એક સૈન્ય સલાહકારે કાશ્મીરને લઇને અમેરિકામાં સક્રિય એક આતંકવાદી સંગઠનના ચીફનો સહયોગ પણ લીધો છે

ગ્રીસની પેંટાપોસ્ટાગ્મા નામની એક વેબસાઇટ પર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે તુર્કીના ભાડાના આતંકવાદીઓનું સૈન્ય સંગઠન સાદાત (SADAT) હવે કાશ્મીરમાં એક્ટિવ થવાની તૈયારી કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તુર્કી ખુદને મધ્ય એશિયામાં અગ્રણી શક્તિ તરીકે દર્શાવવા ઇચ્છે છે. આ કારણે તે પાકિસ્તાનની સાથે મળીને કાશ્મીરમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ એર્દોગને આની જવાબદારી સાદાતને સોંપી છે

સાદાતનું નેતૃત્વ એર્દોગનના સૈન્ય સલાહકાર અદનાન તનરિવર્દી કરે છે. જેણે કાશ્મીરમાં બેઝ તૈયાર કરવા માટે કાશ્મીરમાં જન્મેલા સૈયદ ગુલામ નબી ફઈ નામના આતંકવાદીને નિયુક્ત કર્યો છે. ફઈ પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈના પૈસા ભારતની વિરુદ્ધ ભાડાના આતંકવાદીઓની ભરતી કરવા અને ટેક્સ ચોરી માટે અમેરિકાની જેલમાં બે વર્ષની સજા કાપી ચુક્યો છે. સૈયદ ગુલામ નબી ફઈનો જન્મ જમ્મુ અને કાશ્મીરના બડગામમાં એપ્રિલ 1949માં થયો હતો. તે કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામીનો પણ સક્રિય સભ્ય છે.

ફઈએ અમેરિકામાં કાશ્મીરની વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે અમેરિકન કાઉન્સિલ ઑફ કાશ્મીર (KAC)ની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું ફંડિંગ પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈ કરે છે. આ વાતની પુષ્ટિ ખુદ અમેરિકાની એફબીઆઈએ કરી છે. આ સંગઠન હવે તુર્કીના સાદાત અને ઇસ્લામિક દુનિયા નામના એક એનજીઓની સાથે મળીને કાશ્મીરમાં ષડયંત્ર રચી રહ્યું છે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, કાશ્મીરને લઇને સૈયદ ગુલામ નબી ફઈ આજે પણ સક્રિય છે. તે સાદાતના કાર્યક્રમોમાં ભાગ લે છે. તેણે રાષ્ટ્રપતિ એર્દોગનના સૈન્ય સલાહકાર અને સાદાતના ચીફ અદનાન તનરિવર્દી સાથે પણ મુલાકાત કરી છે. આ બંને સાથે મળીને કાશ્મીરમાં કાર્યવાહી કરવાના ષડયંત્ર પર કામ કરી રહ્યા છે.

(12:00 am IST)