Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પ્રશાંત કિશોરના મકાન ઉપર બુલડોઝર ફેરવી દીધું

એક સમયે નિતિશની સાથે રહેલ અને હાલમાં મમતાની ચૂંટણી રણનીતિના ઘડવૈયા

નવી દિલ્હી,તા. ૧૩: ચૂંટણી વ્યુહબાજ તરીકે જાણીતા પ્રશાંત કિશોરના બિહારના બકસોર ખાતે આવેલ મકાન ઉપર બિહારની નિતીશ કુમાર સરકારે બુલડોઝર ફેરવી જમીન દોસ્ત કરી દીધું છે.

એક સમયે નિતિશ કુમારની ખૂબ નજીક ગણાતા અને પટણામાં નીતિશના ઘરે પણ રહી ચૂકેલા પ્રશાંત કિશોરના વડીલોપાર્જિત મકાન ઉપર ગઇ મોડી સાંજે બુલડોઝર ફેરવી દીધેલ છે. ૧૦ મિનીટમાં ઘરની બાઉન્ડ્રી વોલ અને કમાડ ઉખેડીને ફેંકી દીધેલ.

એક સમયે પ્રશાંત કિશોરનો દબદબો જાણનાર સેંકડો લોકો આ તમાશો જોતા રહેલ. જોગાનુંજોગ ગઇ કાલે જ નીતીશ કુમાર વડાપ્રધાન શ્રી મોદીને મળ્યા હતા.

બિહારના બકસરના અહિરૌલીમાં નેશનલ હાઇવે -૮૪ ને અડીને આવેલ તેમના પિતા સ્વ. શ્રીકાંત પાંડેેએ આ મકાન બનાવેલ. જે પ્રશાંત કિશોરની માલિકીનું છે. આ મકાન કોઇ રાજકીય કારણોસર નહિ પરંતુ નેશનલ હાઇવે પહોળો કરવાનું કામ પુરૂ કરવા દિવાલ તોડવામાં આવેલ. જો કે પ્રશાંતે કોઇ જ વળતર લીધુ નથી તો પણ દિવાલ તોડી નખાયેલ.

૨૦૧૮ સુધી નીતીશ સાથે જોડાયેલા પ્રશાંત કિશોર પછીથી અલગ પડી ગયેલ હાલમાં મમતા બેનર્જી માટે ચૂંટણી રણનીતિ બનાવી રહ્યા છે.

(10:14 am IST)