Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સમગ્ર ઉત્તરભારત ભૂકંપથી ધણધણી ઉઠયું : ૬.૩ની તીવ્રતા

તઝાકિસ્‍તાનમાં હતુ કેન્‍દ્ર : ભૂકંપની અસર હરિયાણા રાજસ્‍થાન, જમ્‍મુ-કાશ્‍મીરમાં પણ જોવા મળી : લોકોમાં ફફડાટ

નવી દિલ્‍હી તા. ૧૩ : અમૃતસર અને દિલ્‍હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત શુક્રવારે રાતે ૬.૧ની તિવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઊઠયા હતા. અગાઉ તજાકિસ્‍તાનમાં ૬.૩ની તિવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો. તેના થોડાક જ સમયમાં ઉત્તર ભારત પણ ભૂકંપથી ધ્રુજી ઊઠયું હતું તેમ નેશનલ સેન્‍ટર ફોર સિસ્‍મોલોજીએ જણાવ્‍યું હતું.

દિલ્‍હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્‍થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્‍મુ અને કાશ્‍મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતમાં ૬.૧ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ઊઠી હતી. આ વિસ્‍તારમાં હાઈરાઈઝ ઈમારતોમાં રહેતા લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્‍યા હતા. પંજાબના અટારી સહિત કેટલાક વિસ્‍તારોમાં ઘરની દિવાલોમાં તિરાડ પડવા જેવી અસરો જોવા મળી હતી. જોકે, ભૂકંપના કારણે જાનહાની અથવા મિલકતને નુકસાનના કોઈ સમાચાર નથી.

ભૂકંપના આંચકા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પડોશી દેશ પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાનમાં પણ અનુભવાયા હતા. પાકિસ્‍તાનમાં ભૂકંપની તિવ્રતા ૬.૪ નોંધાઈ હતી જયારે ભૂકંપનું કેન્‍દ્રબિંદુ તાજિકિસ્‍તાનમાં હતું, જયાં તિવ્રતા ૬.૩ હોવાનું જણાયું હતું અને તે જમીનથી ૮૦ કિ.મી. નીચે હતું. નેશનલ સેન્‍ટર ફોર સિસ્‍મોલોજી મુજબ તાજિકિસ્‍તાનમાં ભારત સમય મુજબ રાતે ૧૦.૩૧ વાગ્‍યે ભૂકંપ આવ્‍યો હતો. થોડાક સમય પછી ૧૦.૩૪ વાગ્‍યે બીજા ભૂકંપનો આંચકો પણ અનુભવાયો હતો, તેનું કેન્‍દ્રબિંદુ પંજાબના અમૃતસરમાં જમીનથી ૧૦ કિ.મી. નીચે હતું.

 

(10:26 am IST)