Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

આંતરજ્ઞાતિય લગ્નોથી જ્ઞાતિવાદી અને કોમવાદી ઘર્ષણ નિવારી શકાશે : સુપ્રિમકોર્ટનું અવલોકન

પસંદગીના યુવક સાથે લગ્ન કરનારી યુવતી સામે તેના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ રદ

નવી દિલ્હી : આંતરજ્ઞાતિય લગ્નોને કારણે જ્ઞાતિવાદી અને કોમવાદી ઘર્ષણ નિવારી શકાશે એવું અવલોકન સુપ્રીમ કોર્ટે કર્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે હાલ શિક્ષિત યુવક યુવતીઓ પોતાની જાતે તેમના જીવનસાથીની પસંદગી કરી સામાજિક રીતરિવાજથી અલગ ચીલો ચાતરી રહ્યાં છે. પરંતુ, તેવાં અનેક યુવક યુવતીઓને તેમના વડીલો તરફથી ધાકધમકીનો સામનો કરવો પડે છે અને તેવા સમયે અદાલતો આવાં યુવક યુવતીઓની મદદે આવી રહી છે. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ ઉપાય છે કે પોલીસ સત્તાવાળાઓ તેમના તપાસ અધિકારીઓને સમજ આપે અને આવા સામાજિક રીતે સંવેદશીલ કેસોને કેવી રીતે હાથ ધરવા તેની ચોક્કસ માર્ગદર્શિકા તથા તાલીમ કાર્યકર્મો ઘડે. કર્ણાટકના બેલગાવી જિલ્લામાં વડીલોની ઇચ્છા વિરુદ્ધ જઇને પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કરનારી યુવતી સામે તેના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદને રદ કરતાં જસ્ટિસ સંજય કિશન કૌલ તથા જસ્ટિસ હૃષિકેશ રૌયની બેન્ચે આ અવલોકનો કર્યાં હ તાં.
સર્વોચ્ચ અદાલતે તેના તાજેતરના ચુકાદામાં જણાવ્યું હતું કે યુવતીના માતાપિતા તેનાં લગ્નને અપનાવી લેશે અને તેની સાથે તેમજ તેના પતિ સાથે ફરી સામાજિક વ્યવહારો ચાલુ કરશે તેવી આશા કોર્ટ સેવે છે.

અમારા મતે આ જ યોગ્ય અભિગમ છે. જ્ઞાતિજાતિના નામે પોતાનાં સંતાન તથા તેના જમાઇને અળગાં કરી દેવા તે ઇચ્છનિય સામાજિક વ્યવહાર નથી એમ અદાલતે આ યુવતીનાં માતાપિતાને જણાવ્યું હતું. યુવતીએ પોતાની સામે થયેલી એફઆઇઆર રદ કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે શિક્ષિત યુવક યુવતીઓ પોતાની જાતે પોતાના જીવનસાથી પસંદગી કરી રહ્યા છે. લગ્ન માટે પસંદગીમાં જાતિ જ્ઞાતિ અગાઉ મહત્વની ભૂમિકા ભજવતાં હતાં પરંતુ હવે યુવક યુવતીઓ અલગ ચીલો ચાતરી રહ્યા છે. આ પ્રગતિશીલ અભિગમ છે અને આવાં આંતરજ્ઞાતિય લગ્નો દ્વારા જ જ્ઞાતિવાદી તથા કોમવાદી ઘર્ષણ અટકશે.

(11:58 am IST)