Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાના સંકેત

એપ્રિલ-૨૦૨૦માં જ ત્રિવેદી સાંસદ બન્યા હતા : ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણીમાં ઉમેદવારીની છેલ્લી તારીખ ૧૮મી ફેબ્રુઆરી

ગાંધીનગર, તા. ૧૩ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજ્યસભામાંથી રાજીનામુ આપીને પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ મોટો ઝટકો આપ્યો છે. જો કે, તેઓ ભાજપમાં જોડાય તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે અને જો તેઓ ભાજપમાં જોડાય તો ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારીની છેલ્લી તારીખ ૧૮મી ફેબ્રુઆરી છે . દિનેશ ત્રિવેદીને મમતા બેનર્જીની પાર્ટીએ એપ્રિલ-૨૦૨૦માં રાજ્યસભામાં મોકલ્યા હતા અને તેમનો કાર્યકાળ ૨૦૨૬માં પૂર્ણ થવાનો છે ત્યારે જો તેઓ ભાજપમાં જોડાય છે તો તેમને ગુજરાત બેઠક પરથી ભાજપ રાજ્યસભામાં મોકલી શકે છે.

પહેલી માર્ચે ગુજરાતમાં બંન્ને બેઠકો માટે અલગ-અલગ મતદાન થવાનું છે અને જો કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો નહીં રાખે તો બન્ને બેઠક ભાજપ જીતશે. રાજકીય સમીકરણો પ્રમાણે જોવામાં આવે તો એક બેઠક પર બળવંતસિંહ રાજપૂત અને શંભુપ્રસાદ ટુંડિયાનું નામ ચાલી રહ્યું છે પરંતુ જો દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાય તો એક બેઠક પર તેમની દાવેદારી પાક્કી માનવામાં આવી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે, આગામી સમયમાં દિનેશ ત્રિવેદી શું નિર્ણય લે છો.

હાલ વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં રેલવે મંત્રીનો પદભાર પિયુષ ગોયેલ સંભાળી રહ્યા છે. તેમની પાસે બીજો પણ મહત્વનો વાણિજ્ય વિભાગ છે. તેવામાં યુપીએ- દરમિયાન ટીએમસીમાંથી રેલવે મંત્રી બનાવાયેલ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાય અને રાજ્યસભામાં પહોંચે તો રેલવે મંત્રાલય સોંપી શકાય છે.

દિનેશ ત્રિવેદી ૨૦૧૨માં યુપીએ સરકારમાં કેન્દ્રીય રેલવે મંત્રી રહી ચૂક્યા છે અને ૨૦૧૬-૧૭નો આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટરિયનનો એવોર્ડ જીતી ચૂક્યા છે. દિનેશ ત્રિવેદીનું ગુજરાત કનેક્શન પણ રહ્યું છે કારણ કે તેમના માતા-પિતા ગુજરાતી હતા. પિતા કન્ટ્રક્શન કંપનીમાં કામ કરવા માટે કોલકાતા રહ્યા અને દિનેશ ત્રિવેદીનું બાળપણ અને યુવાની કોલકાતામાં પસાર થયું છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ને વધુ એક ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદીએ આજે રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન પોતાનું રાજીનામું જાહેર કર્યું. દિનેશ ત્રિવેદીએ જલ્દી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવી અટકળો તેજ બની ગઇ છે.

રાજ્યસભામાં બજેટ ચર્ચા દરમિયાન દિનેશ ત્રિવેદીએ કહ્યું કે ખરેખર તો આપણે જન્મભૂમિ માટે છીએ અને મારાથી જોઇ શકાતું નથી કે આપણે કરીએ તો શું કરીએ, એક પાર્ટીમાં છીએ તો સીમિત છે, પરંતુ હવે મને ગભરામણ જેવું લાગી રહ્યું છે, આપણે કાંઇ કરી શકતા નથી, બીજી તરફ અત્યાચાર થઇ રહ્યો છે, આજે મારી આત્મા કહી રહી છે કે રાજીનામું આપી દે અને બંગાળની જનતાની વચ્ચે જઇ રહો.

તૃણમુલ કોંગ્રેસ નેતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, હું આજે અહીં (રાજ્યસભા)માંથી રાજીનામું આપવા જઇ રહ્યો છું અને દેશ માટે, બંઘાળ માટે હંમેશા કામ કરતો રહ્યો છું અને કરતો રહીશ. જો કે એક અટકળ મુજબ દિનેશ ત્રિવેદી હવે તૃણમુલ કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી શકે છે. ટીએમસીમાંથી રાજીનામું આપ્યાં બાદ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

(8:52 pm IST)