Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

અરબ સાગરમાં પાકિસ્તાનની જળસીમામાં ચીન-અમેરિકા-રશિયા સહીત ૪૫ દેશોની નૌસેનાની લશ્કરી કવાયત શરૂ

લશ્કરી કવાયતમાં ૧૧૯ નાના-મોટા યુદ્ધજહાજોનો કાફલો પ્રદર્શન કરશે

નવી દિલ્હી : અરબ સાગરમાં પાકિસ્તાનની જળસીમામાં ચીન-અમેરિકા-રશિયા જેવા કુલ ૪૫ દેશોની નૌસેના વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શરૃ થઈ છે. દર બે વર્ષે યોજાતી આ લશ્કરી કવાયતમાં ૧૧૯ નાના-મોટા યુદ્ધજહાજોનો કાફલો પ્રદર્શન કરશે. પાકિસ્તાન સાથે થયેલા કરાર પ્રમાણે એશિયા-આફ્રિકાના દેશો પણ કવાયતમાં જોડાય છે.

 

 પાકિસ્તાને વિવિધ દેશોની નૌસેના વચ્ચે કરેલા કરાર પ્રમાણે ૨૦૦૭થી દર બે વર્ષે સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવામાં આવે છે. અમન-૨૧ નામથી આ વર્ષે પણ એક સપ્તાહ સુધી કવાયત હાથ ધરાઈ છે. એમાં પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા, અમેરિકા, તુર્કી જેવા દેશો સામેલ થયા છે.
   બધા દેશોના નાના-મોટા ૧૧૯ યુદ્ધજહાજોનો કાફલો પાકિસ્તાનની જળસીમામાં કવાયત કરશે. આ કવાયતમાં આરબ દેશોની નૌસેના ઉપરાંત આફ્રિકન દેશોની નૌસેના પણ ભાગ લઈ રહી છે. કરાચી પોર્ટે બધા જ દેશોની નૌસેનાની પ્રતિનિધિ ટીમ આવી પહોંચી હતી.
   દક્ષિણ ચીન સમુદ્ર મુદ્દે ચીન-અમેરિકા વચ્ચે તંગદિલી ચાલી રહી છે ત્યારે બે વર્ષ પછી બંને દેશોની નૌસેનાની ટૂકડી પ્રથમ વખત સંયુક્ત કવાયત કરશે. ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર શરૃ થયું પછી આ પહેલો મોકો છે, જ્યાં બંનેની નૌસેના એક જ ટીમનો હિસ્સો બનીને લશ્કરી કવાયતમાં ભાગ લેશે.અમેરિકા-રશિયાની બાબતમાં પણ બનશે. ટ્રમ્પના શાસનકાળમાં રશિયા સાથે સંબંધો ખૂબ જ વણસી ચૂક્યા હતા. એ પછી રશિયા-અમેરિકાની ટૂકડી પણ એક જ સાથે લશ્કરી કવાયત કરશે.

(11:26 pm IST)