Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

યોગી સરકારે આપ્યું ઇનામ

બાબરી કેસમાં અડવાણી-જોષી સહિત ૩૨ આરોપીઓને છોડી મૂકનાર નિવૃત જજ બન્યા યુપીના ઉપલોકાયુકત

નવી દિલ્હી,તા. ૧૩: ગયા વર્ષે હાઇ પ્રોફાઇલ બાબરી મસ્જીદ વિધ્વંસ કેસમાં ચુકાદો આપનાર રિટાયર્ડ જજ સુરેન્દ્રકુમાર યાદવે ગઇકાલે ઉત્તર પ્રદેશમાં ઉપલોકાયુકત તરીકે શપથ લીધા હતા. સીબીઆઇની ખાસ અદાલતના ન્યાયધીશ તરીકે યાદવે ૩૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ૬ ડીસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જીદના વિધ્વંસના કેસમાં ભાજપાના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી અને કલ્યાણસિંહ સહિત બધા ૩૨ આરોપીઓની છોડી મૂકયા હતા.

ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં કહેવાયુ છે કે રાજ્યપાલ દ્વારા ૬ એપ્રિલે યાદવને ત્રીજા ઉપલોકાયુકત તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. યાદવને લોકાયુકત સંજય મિશ્રાએ અન્ય સીનીયર અધિકારીઓની હાજરીમાં શપથ લેવડાવ્યા હતા. જણાવી દઇએ કે બાકી બે ઉપલોકાયુકત, શંભુસિંહ યાદવને ૪ ઓગસ્ટ ૨૦૧૬ના તથા દિનેશ કુમારસિંહને ૬ જૂન ૨૦૨૦ના દિવસે નિયુકત કરાયા હતા. ઉપલોકાયુકતનો કાર્યકાળ ૮ વર્ષનો હોય છે.

લોકાયુકત એક બિન રાજકીય વ્યકિત હોય છે. અને એક બંધારણીય સંસ્થા તરીકે કામ કરે છે. તે મુખ્ય રીતે ભ્રષ્ટાચાર, સરકારી ગેરવહીવટ અથવા લોકસેવકો કે પ્રધાનો દ્વારા સત્તાના દુરૂપયોગ અંગેના કેસોની તપાસ કરે છે.

(10:23 am IST)