Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ઉત્તર પ્રદેશની આ છે સ્થિતિ

૮૦ વર્ષના વૃધ્ધા માટે ન મળી વ્હીલચેયર માતાને પીઠ ઉપર લાદી ફરતો રહ્યો પુત્ર

કનોજ તા. ૧૩ : કનોજ જિલ્લા હોસ્પિટલની બેહાલ તસ્વીર સોમવારે જોવા મળી. અહીં સારવાર માટે આવેલ ૮૦ વર્ષની વૃધ્ધાને વ્હીલચેર સુધ્ધા નહોતી મળી. ઘણીવાર સુધી રાહ જોયા પછી પુત્રએ માને પીઠ પર બેસાડી દીધી અને તે ટેસ્ટીંગ કરાવવા માટે જ્યાં ત્યાં ફરતો રહ્યો.

હોસ્પિટલના કેટલાય કર્મચારીઓ આ જોઇને પણ આંખ આડાકાન કરતા રહ્યા. કાનપુરના બિલ્હૌરના નિવાસી રામવિલાસની ૮૦ વર્ષની માતા શાંતિદેવીની તબિયત ઘણાં દિવસથી ખરાબ છે. રામવિલાસ માતાની સારવાર કરાવવા જિલ્લા હોસ્પિટલ આવ્યો હતો.

રામવિલાસે જણાવ્યું કે, હોસ્પિટલમાં કેટલાય લોકોને કહ્યા પછી પણ વ્હીલચેર ન મળતા તે માતાને પીઠ પર ઉપાડીને જ્યાં ત્યાં ફરતો રહ્યો. તેને જણાવાયું કે સુગરની તપાસ બીજા માળે થાય છે એટલે તે માતાને પીઠ પર બેસાડીને ટેસ્ટીંગ કરાવવા બીજા માળે પહોંચ્યો ત્યાં તપાસ કરાવ્યા પછી ડોકટર પાસે લઇ ગયો.

બીજી તરફ હોસ્પિટલના સીએમએસ ડોકટર શકિત બસુનું કહેવું છે કે ઇમરજન્સી વોર્ડમાં એક વ્હીલચેર ૨૪ કલાક ઉપલબ્ધ હોય છે. આ યુવક કદાચ માહિતીના અભાવે ઇમરજન્સી વોર્ડમાં નહીં ગયો હોય. સંબંધિત સ્ટાફે આ જોયા પછી પણ મદદ કેમ ન કરી તેની તપાસ કરવામાં આવશે.

(10:28 am IST)