Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મહારાષ્ટ્રના જલગાવમાં વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવતી ફેકટરી ઝડપાઈ : માલિક સામે ગુનો દાખલ

જલગાંવ,તા. ૧૩: દેશમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. કોરોનાથી બચવા માટે માસ્ક ખૂબ જરૂરી છે. જોકે, માસ્કના નિકાલ અંગે લોકોમાં જોઈએ એટલી જાગૃતિ નથી. લોકો રસ્તાઓ પર અને જાહેર જગ્યાઓ પર માસ્ક ફેંકી દેવા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દરમિયાન મહરાષ્ટ્રમાંથી જે બનાવ સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં પોલીસે એક ફેકટરી પર દરોડો કર્યો છે. આ ફેકટરી ગાદલા બનાવવા માટે કપાસ (રૂ) કે અન્ય મટિરિયલનો ઉપયોગ કરવાને બદલે વપરાયેલા માસ્કનો ઉપયોગ કરી રહી હતી.

રિપોર્ટ પ્રમાણે દરોડા દરમિયાન ફેકટરી ખાતેથી માસ્કની ગાસડીઓ મળી આવી છે. MIDC પોલીસને બાતમી મળી હતી કે જલગાંવ ખાતે આવું કોઈ રેકેટ ચાલી રહ્યું છે.

બનાવ બાદ પોલીસ ફેકટરી પર પહોંચી હતી. ફેકટરી ખાતે જઈને પોલીસે જોયું તો અહીં વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવવામાં આવી રહ્યા હતા. જે બાદમાં પોલીસે માસ્ક ભરેલી ગાસડીઓ જપ્ત કરી હતી અને તેમને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત પોલીસે ફેકટરીના માલિક સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ મામલે વધારે તપાસ કરી રહી છે.

(3:01 pm IST)