Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

CBSE પરીક્ષા રદ્દ કરો : હોટસ્પોટ બનવાનું જોખમ

મુખ્યમંત્રી કેજરીવાલે મોદી સરકારને કરી અપીલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને CBSE Board Exam 2021 રદ કરવાની અપીલ કરી છે. દેશભરના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવાની માગણી કરી છે. અનેક રાજય સરકારોએ પણ પોતાના ત્યાં થનારી બોર્ડ પરીક્ષાઓની તારીખ બદલી નાખી છે. દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસ જોતા વિદ્યાર્થીઓના હિતમાં અનેક નિર્ણય લેવાઈ રહ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ગત ૨૪ કલાકમાં સાડા ૧૩ હજાર કેસ સામે આવી ચૂકયા છે. આ વખતની વેવ વધુ ખતરનાક છે અને તેનાથી યુવાઓ વધુ પ્રભાવિત થાય છે. આવામાં તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરતા કહ્યું કે સીબીએસઈ બોર્ડ પરીક્ષા ૨૦૨૧માં ૬ લાખ વિદ્યાર્થીઓ બેસશે અને એ તમામ માટે ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. આવામાં તેઓ ઈચ્છે છે કે પરીક્ષાઓ હાલ પુરતી કેન્સલ કરવામાં આવે.

અરવિંદ કેજરીવાલે છેલ્લા ૧૦-૧૫ દિવસનો ડેટા દેખાડતા કહ્યું કે ૬૫ ટકા દર્દીઓ ૪૫ વર્ષથી ઓછી ઉંમરના છે. દેશના યુવકો પર પોતાની સાથે સાથે પોતાના પરિજનોની પણ જવાબદારી છે. આથી આ વખતે વધુ સતર્કતા રાખવી જરૂરી છે. જયાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી પોતાના ઘરમાંથી બહાર ન નીકળો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે તેઓ લોકડાઉનના પક્ષમાં નથી. નવા પ્લાન મુજબ ઓછા લક્ષણોવાળા દર્દીઓને બેન્કવેટ હોલમાં રાખવાની વિચારણા ચાલુ છે અને વધુ ગંભીર લક્ષણોવાળા દર્દીઓ હોસ્પિટલમાં રહેશે. કેટલીક હોસ્પિટલોને ૧૦૦ ટકા કોવિડ-૧૯ ના કેસ માટે રિઝર્વ કરી દીધી છે. જે દર્દીઓને બેડની જરૂર નહીં હોય તેમને હોટલ કે પોતાના ઘરમાં જ કવોરન્ટાઈન થવાનું રહેશે. આ સાથે જ તેમણે સાજા થઈ ચૂકેલા દર્દીઓને પોતાના પ્લાઝમા ડોનેટ કરવાની પણ અપીલ કરી છે. આ વખતે દિલ્હીમાં કોરોનાની ચોથી વેવ ગણાઈ રહી છે આવામાં બધાએ પોતાનો ખ્યાલ રાખવાની જરૂર છે.

(3:42 pm IST)