Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કયા ૪ કારણો જવાબદાર

ભારતમાં આખરે કેમ આટલી સ્પીડથી ફેલાઈ રહ્યો છે કોરોના?

નવી દિલ્હી, તા.૧૩: કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. મનાઈ રહ્યુ છે કે એપ્રિલ પુરો થતા થતાં કોરોના દેશભરમાં પીક પર પહોંચી જશે. આખરે શું કારણ છે કે સ્પીડ સતત વધી રહી છે. જાણો શુ કહે છે એકસપર્ટ? આવો એક નજર કરીએ એ ચાર કારણો પર જેના કારણે કોરોના પર નિયંત્રણ લાવવું મુશ્કેલ થઈ ગયું છે.

૧. કોરોનાના અલગ અલગ વેરિએન્ટ

આ વખતે ૨ પ્રકારના વાયરસ લોકોને હેરાન કરી રહ્યા છે. એક દેશી અને દ્યણા બધા વિદેશી. અત્યાર સુધીમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને ન્યૂયોર્કમાં મળેલા વેરિએન્ટ ભારતમાં મળ્યા છે. માર્ચના અંત સુધીમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલએ એક નવા વેરિએન્ટ ડબલ મ્યૂટેશનની જાણકારી આપી હતી. મહારાષ્ટ્ર, દિલ્હી અને પંજાબમાં તે મળી આવ્યા હતા. વાયરોલોજિસ્ટ શાહિદ જમિલે જણાવ્યું કે નવા ડબલ મ્યૂટેશનના કારણે સતત કેસ વધી રહ્યા છે. તેમના મુજબ ૧૫-૨૦ ટકા કેસ નવા વેરિએન્ટના છે. બ્રિટનનો નવો વેરિએન્ટ બીજાની સરખામણીએ ૫૦ ટકા ઝડપથી ફેલાઈ રહ્યો છે.

૨. કોરોના પ્રોટોકોલ ન માનવો

આ વર્ષે જાન્યુઆરીમાં કોરોનાની સ્પીડ અટકયા બાદ લોકો બેદરકાર થઈ ગયા હતા. સરકાર અને લોકોએ કોરોના પ્રોટોકોલને નેવે મુકી દીધા હતા. જમિલે જણાવ્યું કે ભારતમાં બધુ જ ખુલ્લુ છે જેના ચાલતા દ્યણા હદે કેસ વધ્યા છે.  જોકે રાજય સરકારો ધીમે ધીમે અનેક ચીજો પર પ્રતિબંધ લગાવી રહી છે.

૩. રસીકરણની સ્પીડ

દેશભરમાં જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી રસીકરણની શરુઆત કરવામાં આવી હતી. પરંતુ લોકો રસી લેતા ખચકાય છે. જમિલે કહ્યુ હેલ્થ વકર્સ પણ રસી લગાવવાથી ખચકાય રહ્યા છે. આ ઉપરાંત માર્ચમાં જયારે ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકો રસીકરણ અભિયાન શરુ થયુ ત્યારે લોકો રસીકરણ સેન્ટર નહોંતા આવી રહ્યા. અત્યાર સુધી ફકત ૭ ટકા લોકોને રસીના ડોઝ લાગ્યા છે. જયારે ફકત ૫ ટકા લોકોને પહેલો ડોઝ લાગ્યો છે. એટલે આની અસર સંક્રમણ પર વધારે પડી શકી નથી.

૪. ખતમ થઈ રહી છે એન્ટીબોડીઝ

આ ઉપરાંત ઈન્સ્ટીટ્યૂટ ઓફ જીનોમિકસ એન્ડ એન્ટીગ્રેટિવ બાયોલોજીના એક હાલના અધ્યયનમાં કહેવામાં આવ્યું છ કે કોરોના સંક્રમિત ૨૦ થી ૩૦ ટકા લોકોમાં ૬ મહિના બાદ એન્ટીબોડીસ ખતમ થઈ ગઈ છે. એ જ કારણ છે કે કોરોનાનું ફરી સંક્રમણ થઈ રહ્યું છે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકો અનુસાર કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્ય સુધી પીક પર આવી શકે છે.

(3:46 pm IST)