Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કાલે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઓનલાઇન લોકાર્પણઃ જીવનના વિવિધ પાસાઓનું લેખન-સંપાદન ચાર ભાગમાં કરાયુ

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ એપ્રિલના બુધવારે આંબેડકર જન્મ જયંતિના દિવસે સવારે ૧૧ કલાકે ડો. બાબાસાહેબ આંબેડકર પર તૈયાર થયેલા 4 પુસ્તકો- વ્યક્તિ દર્શન”, “જીવન દર્શન”, “આયામ દર્શન અને રાષ્ટ્ર દર્શનનું ઓનલાઈન લોકાર્પણ કરશે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહ-પ્રવક્તા અને લેખક કિશોર મકવાણાએ ખૂબ ઊંડું અધ્યયન અને સંશોધન કરીને ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના વિવિધ પાસાંનું સર્વાંગીણ લેખન સંપાદન આ ચાર ભાગમાં કર્યું છે.

ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના એક-એક પાસા વિશે તલસ્પર્શી અભ્યાસ કરીને કિશોર મકવાણાએ ઘણી નવી વાતો શોધી આ પુસ્તકોમાં સમાવી છે. રાષ્ટ્રનિર્માણમાં ડો. બાબાસાહેબનું યોગદાન ઐતિહાસિક છે. 4 પુસ્તકો ડો. આંબેડકરના મહાન જીવન-કાર્યને અભિવ્યક્ત કરે છે.

ડો. આંબેડકરે સ્વતંત્રતા પહેલા આત્મનિર્ભર ભારત અને આધુનિક ભારતનો પાયો રાખ્યો હતો. એમના સપનાનું ભારત એક એવું ભારત હતું. જે આર્થિક રીતે સમૃદ્ધ હોય, વિજ્ઞાન- ટેક્નોલોજીની રીતે ઉન્નત હોય, કૃષિ ઉત્પાદન વધે અને ઝડપી ઔદ્યોગિકીકરણ થાય, ઉર્જા નીતિ અને જળ નીતિનો રોડમેપ હોય, ભારતની વિદેશનીતિ ભારતની રક્ષા કરે તેવી હોય અને કોઇપણ જાતના ભેદભાવ વિના સૌને સમાન અવસર મળે એ એમનું સપનું હતું.

વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પિત થનાર આ ચાર પુસ્તકો ડો. આંબેડકરને લઇને ચાલતી અનેક ભ્રમણાઓને દૂર તો કરે જ છે, પરંતુ આ સાથે સાથે તેમને એક રાષ્ટ્રનિર્માતા તરીકે રજૂ કરતો અનન્ય દસ્તાવેજ પણ છે.

(5:21 pm IST)