Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

અમેરિકાના ગ્રામ્ય વિસ્તારોમાં સેવાઓ આપતા વિદેશી તબીબોના J -1 વિઝા લંબાવાશે : વધુ ત્રણ વર્ષ માટે કાર્યકાળ લંબાવવાની જોગવાઈ કરતું બિલ સંસદમાં રજૂ : જીવનસાથીને પણ કામ કરવાનો અધિકાર

વોશિંગટન : અમેરિકાના ગ્રામ્ય  વિસ્તારોમાં સેવાઓ આપવા વિદેશી તબીબોના J -1 વિઝા લંબાવવા મંજૂરી આપતું બિલ સંસદમાં રજૂ કરાયું છે. જેનો હેતુ છેવાડાના વિસ્તારોમાં વસતા અને તબીબી સેવાઓથી વંચિત પ્રજાજનોને  આરોગ્ય સેવાઓ પુરી પાડવાનો છે.

આ બિલ અંતર્ગત ડોક્ટર્સની  તંગી અનુભવતા વિસ્તારોમાં આરોગ્ય અંગેની સેવાઓ બે વર્ષ માટે પૂર્ણ કર્યા પછી પણ યુ.એસ. માં રહેવા દેવામાં આવશે.

હાલના નિયમ મુજબ જે -1 વિઝા પર યુ.એસ.માં કામ કરતા અન્ય દેશોના ડોકટરોને  તેમનો કાર્યકાળ  બે વર્ષ માટે સમાપ્ત થયા પછી તેઓ વિઝા અથવા ગ્રીનકાર્ડ માટે અરજી કરી શકે તે પહેલાં તેમના વતનમાં પાછા ફરવાની ફરજ પડે  છે.જયારે નવા બિલ મુજબ તેમનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે લંબાવવાની જોગવાઈ છે.

ઉપરાંત આ બિલ  ડોકટરોના જીવનસાથીને પણ કામ કરવાની મંજૂરી આપે છે અને ડોકટરો સાથે દુર્વ્યવહાર થતાં અટકાવવા માટે  સુરક્ષા પૂરી પાડે છે.

બિલને અમેરિકાની  હોસ્પિટલો, અમેરિકન મેડિકલ એસોસિએશન, નિસ્કેનન સેન્ટર, અમેરિકન હોસ્પિટલ એસોસિએશન, નેશનલ રૂરલ હેલ્થ એસોસિએશન, અમેરિકન મેડિકલ કોલેજોના એસોસિએશન, અને સોસાયટી ઓફ હોસ્પિટલ મેડિસિનનું સમર્થન પ્રાપ્ત થયું છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:27 pm IST)