Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

હવે દેશમાં ઇલેકટ્રીક વાહનોનો યુગ ચાલુ થવાની તૈયારી

ઇલેકટ્રીક ટુ વ્હીલર સસ્તા મળશે : સરકાર આપશે વધુ સબસીડી

નવી દિલ્લીઃ બદલાતા સમયની સાથે એક પ્રકારે વાહનની પરિભાષા પણ બદલાઈ છે. ઈંધણની ખપત અને પેટ્રોલ-ડીઝલના કુવાઓ ખાલી થઈ જવાની ભીતિને ધ્યાનમાં રાખીને હવે નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. ઈંધણના વિકલ્પ તરીકે હવે બેટરી આધારીત વાહનો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સરકારે પણ આવા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને મોટી રાહત આપવાનું નક્કી કર્યું છે.ભારતની વાત કરીએ તો અહીં દિન-પ્રતિદિન વાહનોની સંખ્યા વધતી જાય છે. જેને કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. એવામાં ઈલેક્ટ્રીક વાહનો પ્રદૂષણ ઘટાડવા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. ત્યારે સરકાર પણ પેટ્રોલ-ડીઝલના બદલે આવા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારનો ઉત્સાહ વધારવા માટે તેમને પ્રોત્સાહન આપવા માંગે છે.

ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે સબસિડી વધારવાની જાહેરાત કરી છે. જે મુજબ, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે સબસિડી વધારીને 15,000 પ્રતિ kwh કરવામાં આવી છે, જે અગાઉના સબસિડી દર કરતા 5,000 પ્રતિ kwh જેટલી વધારે છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી હવે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સ સસ્તા થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કેવડિયાને સંપૂર્ણ ઈલેક્ટ્રિક વાહનોનું શહેર બનાવવવાનો નિર્ણય કર્યો છે, જેના લીધે કેવડિયા દેશનું પહેલું શહેર હશે જ્યાં સંપૂર્ણ ઈલેક્ટ્રિક વાહનો જ જોવા મળશે.

સરકારનાં આ નિર્ણયથી એવા ગ્રાહકોને મદદ મળશે જેઓ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાનું પસંદ કરે છે. મહત્વપૂર્ણ છે કે, ભારતની સૌથી ઝડપથી વિકસતી મેન્યુફેક્ચરિંગ કંપની “એથર એનર્જી” (Ether Energy) એ એવી પહેલી કંપની છે, જેમણે તેના ગ્રાહકોને વધતી સબસિડીના ફાયદાઓ આપવાનું શરૂ કર્યું છે. કંપનીએ તેના 450X ઇલેક્ટ્રિક સ્કૂટરની) કિંમતમાં ઘટાડો કર્યો છે, જેના કારણે 450X સ્કૂટર પહેલા કરતાં 14,500 રૂપિયા સસ્તુ થશે.

એથર એનર્જીના સીઇઓ (CEO) અને સહ-સ્થાપક તરુણ મહેતાએ જણાવ્યું હતું કે, “ફેમ-2 (Fame-2) પોલિસીમાં સુધારો કરાતા સબસિડીમાં પ્રતિ Kwh માં 50% નો વધારો નોંધાયો છે, કોરોનાની મહામારી હોવા છતાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનાં વેચાણમાં વધારો થયો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે નવી સબસિડીનાં કારણે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું વેચાણ બજારમાં જરૂરથી  વિક્ષેપિત થશે.

ફક્ત પસંદ કરેલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને જ ફેમ 2 યોજના અંતર્ગત સબસિડીનો લાભ મળશે. આ લાભ માટે કેટલીક શરતો છે જેમાં, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં ઓછામાં ઓછી 80 કિ.મી.ની ડ્રાઇવ રેન્જ (Drive Range) હોવી જોઈએ અને મહત્તમ ગતિ 40 કિમી પ્રતિ કલાકની હોવી જોઈએ. આ સિવાય પૂર્ણ ચાર્જિંગ (Charging)  માટે જરૂરી એનર્જી મહત્તમ 8 એકમ જેટલી હોવી જોઈએ, ઉપરાંત વાહનનો 75 % ભાગ સ્વદેશી હોવો જોઈએ. મહત્વપૂર્ણ છે કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં વાહનોમાં થયેલ વધારાને કારણે હવાનાં પ્રદુષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, આશા રાખીએ કે, આ સબસિડીને કારણે લોકો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાનું પસંદ કરે, જેનાથી પ્રદુષણમાં ઘટાડો થાય.

(12:07 pm IST)