Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

રાજસ્થાન ભાજપમાં નવા પોસ્ટરે સર્જયા અનેક અસંમજસ

પ્રથમ વખત પોસ્ટરમાંથી વસુંધરા રાજેનું નામ ગાયબ થતા સર્જાયા અનેક ર્તકવિતર્કો

નવી દિલ્હી, :  રાજસ્થાનમાં 2 વર્ષ બાદ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મુખ્યાલય ખાતેના બેનર-પોસ્ટર બદલી નાખ્યા છે. પાર્ટીના નવા પોસ્ટરમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજેને સ્થાન નથી આપવામાં આવ્યું. 20 વર્ષોમાં પહેલી વખત રાજસ્થાન ભાજપના પોસ્ટર-હેડિંગ્સમાંથી રાજેની તસવીર ગાયબ થઈ છે.

વસુંધરા રાજે વર્ષ 2013થી 2018 સુધી રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના હાઈકમાન્ડ અને વસુંધરા રાજે વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હોવાના ક્યાસ લગાવાઈ રહ્યા હતા ત્યારે તાજેતરની ઘટના બાદ રાજસ્થાન ભાજપમાં બધું ઠીક છે કે કેમ તે એક સવાલ થઈ રહ્યો છે.

રાજસ્થાનમાં ભાજપના નવા પોસ્ટર બાદ વિવાદની શરૂઆત થઈ ગઈ છે. નવા પોસ્ટર્સ-હોર્ડિંગ્સ મુદ્દે ભાજપનું એવું કહેવું છે કે, નવા લોકો આવતા રહે છે અને જૂના લોકો જાય છે. આ પરંપરા જ રહી છે, પરંતુ વસુંધરા રાજેના સમર્થકોનું એવું કહેવું છે કે રાજસ્થાનમાં રાજે મહત્વના અને ભાજપની મજબૂરી પણ છે.

હકીકતે રાજસ્થાન ભાજપનું મુખ્યાલય નવા પોસ્ટર-હોર્ડિંગ્સ બાદ બદલાયેલું દેખાઈ રહ્યું છે. મુખ્યાલયની બહાર 2 મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જેમાં વસુંધરા રાજેની તસવીર હટાવી લેવામાં આવી છે. નવા હોર્ડિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ગુલાબ ચંદ કટારિયા અને સતીશ પૂનિયાંની તસવીર છે. જ્યારે બીડા હોર્ડિંગમાં દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની તસવીરો છે.

છેલ્લા 20 વર્ષથી રાજસ્થાનના રાજકારણમાં પાર્ટીના કેન્દ્ર તરીકે રહી ચુકેલા વસુંધરા રાજે પહેલી વખત ભાજપ મુખ્યાલયના કોઈ પણ હોર્ડિંગ્સ-બેનર-પોસ્ટર પર નથી દેખાઈ રહ્યા.

આ મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાંએ જણાવ્યું કે, 'હોર્ડિંગ્સમાં કોની તસવીર લાગશે તે પાર્ટીની કમિટી નક્કી કરે છે, આ કોઈ નેતાનું કામ નથી. આવા બદલાવ થતા રહે છે. બદલાવ તો સમયની નિયતિ છે.' આ તરફ વસુંધરા રાજેના સમર્થક બેનર-પોસ્ટર પરથી પૂર્વ મુખ્યમંત્રીની તસવીર દૂર કરવાને લઈ રોષે ભરાયા છે. તેઓ આને ષડયંત્ર ગણાવી રહ્યા છે. વસુંધરાના સમર્થક પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગુંજલના કહેવા પ્રમાણે વસુંધરા રાજે વગર ભાજપ રાજસ્થાનમાં સત્તામાં ન આવી શકે.

(3:34 pm IST)