Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

હવે નાના ગ્રુપનો દુનિયા પર પ્રભાવ નથી રહયો.. ! પગલા લેવાના ભયે ચીન દ્રારા G - 7 દેશોને અપાઈ ધમકી

G-7 દેશોના શિખર સંમેલનથી ચીન ભડકયું

 

લંડન : દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડના કાર્બિસ-બેમાં શુક્રવારથી શરુ થયેલા G-7 દેશોના શિખર સંમેલનને (G-7 Summit 2021) લઈને ચીનના પેટમાં તેલ રેડાયું છે. આ ગ્રુપમાં પોતાના વિરુદ્ધ જૂથબંધીની દ્રષ્ટિએ જોતા ચીને રવિવારે ધમકીના અંદાજમાં કહી દીધુ છે કે, એ સમય બહુ પહેલા સમાપ્ત થઈ ગયો, જ્યારે કેટલાક દેશોના નાના ગ્રુપ વિશ્વના ભાગ્યનો નિર્ણય કરતા હતા.

લંડનમાં ચીની હાઈકમિશનના એક પ્રવક્તાએ કહ્યું કે, એ દિવસો ભૂતકાળની વાત થઈ ગયા, જ્યારે દેશોનું એક નાનું ગ્રુપ, વૈશ્વિક નિર્ણયો નક્કી કરતા હતા. અમે કાયમ એવું માનીએ છીએ કે, દેશ મોટા હોય કે નાના, સશક્ત હોય કે નબળા, ગરીબ હોય કે અમીર એક સમાન જ છે અને વૈશ્વિક મુદ્દાઓ પર તમામ દેશોની સલાહ લેવી જોઈએ.

ચીનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે G7 દેશના નેતાઓએ શિખર સંમેલનમાં ગરીબ દેશોની મદદ કરીને ચીના બેલ્ટ એન્ડ રોડ પહેલનો વિરોધ કરવા માટે એક યોજના લોન્ચ કરી. જો કે હાલ તેના પર સહમતિ નથી સધાઈ શકી કે, માનવાધિકારોના ઉલ્લંઘન પર ચીનને કેવી રીતે રોકવામાં આવે?

જણાવી દઈએ કે, G-7 સાત દેશો, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનું એક ગ્રુપ છે. પોતાના ટ્રિલિયન-ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના ભાગ રૂપે નાના દેશોને જંગી દેવા સાથે પરેશાન કરવાના આરોપમાં ચીનની આકરી આલોચના થઈ રહી છે. જેણે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને યુરોપમાં પણ ફેલાયેલી પરિયોજનાઓ માટે લોન આપી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2013માં ચીનના આર્થિક અને રાજનીતિક પ્રભાવનો વિસ્તાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલની શરૂઆત કરી હતી.

(4:55 pm IST)